પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એટલે હું એ પ્રશ્નનો અભ્યાસ કરવા, બની શકે તો સરકાર અને નીલવરોની મદદ લઈને, અભ્યાસ કરવા આવ્યો છું. બીજો કોઈ પણ ઉદ્દેશ મેં રાખ્યો નથી, અને મારા આવવાથી લોકોની શાંતિમાં ભંગ થશે અને ખુનામરકી થશે એ હું માની શકતો નથી. આ બાબતમાં મને ઠીક ઠીક અનુભવ છે એવો મારો દાવો છે. પણ સરકારનો વિચાર આ બાબતમાં મારાથી જુદો પડે છે. તેમની મુશ્કેલી હું સમજું છું, અને હું એ પણ કબૂલ કરું છું કે તેમણે તો મળેલી હકીકત ઉપર જ વિશ્વાસ રાખવો રહ્યો. કાયદાને માન આપનાર પ્રજાજન તરીકે તો મને આપવામાં આવેલા હુકમને સ્વીકારવાનું સ્વાભાવિક મન થાય, અને થયું હતું. પણ તેમ કરવામાં હું જેમને માટે અહીં આવ્યો છું તેમના પ્રતિ મારા કર્તવ્યનો ઘાત કરું એમ મને લાગ્યું. મને લાગે છે કે તેમની સેવા મારાથી તેમની મધ્યમાં રહીને જ આજે થઈ શકે. એટલે સ્વેચ્છાએ ચંપારણ છોડી શકું એમ નથી. આવા ધર્મસંકટમાં મને ચંપારણમાંથી ખસેડવાની ફરજ હું સરકાર ઉપર નાખ્યા વિના ન રહી શક્યો.
’હિંદના લોકજીવનમાં મારા જેવી જેની પ્રતિષ્ઠા છે તેવા માણસે અમુક પગલું લઈ દાખલો બેસાડવામાં ભારે કાળજી રાખવી જોઈએ એ હું બરોબર સમજું છું. પણ મારી દઢ માન્યતા છે કે, આજે જે અટપટી પરિસ્થિતિમાં અમે મુકાયેલા છીએ તેમાં મારા જેવા સંજોગોમાં મુકાયેલા સ્વાભિમાની માણસની પાસે બીજો એકે સલામત અને માનભર્યો રસ્તો નથી - સિવાય કે હુકમનો અનાદર કરી તે બદલ જે સજા થાય તે મૂંગે મોઢે ખમી લેવી.
’મને જે સજા કરવા ધારો તે ઓછી કરવાના હેતુથી આ બયાન હું નથી રજૂ કરતો, પણ હુકમનો અનાદર કરવામાં કાયદેસર સ્થપાયેલી સત્તાનું અપમાન કરવાનો મારો ઉદ્દેશ ન હોઈ, મારું અંતર જે વધારે મોટો કાયદો સ્વીકારે છે - એટલે કે અંતરાત્માનો અવાજ - તેને અનુસરવાનો મારો ઉદ્દેશ છે, એ જ મારે જણાવવું હતું.’

હવે કેસની સુનાવણી મુલતવી રાખવાપણું તો ન રહ્યું. પણ મૅજીસ્ટ્રેટ કે વકીલ આ પરિણામની આશા નહોતા રાખતા, તેથી સજાને સારુ