પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમને વહોરાવે પણ ખરા. તેઓ પિતાજી સાથે ધર્મની તેમ જ વ્‍યવહારની વાતો કરે. ઉપરાંત, પિતાજીને મુસલમાન અને પારસી મિત્રો હતા તે પોતપોતાના ધર્મની વાતો કરે અને પિતાજી તેમની વાતો માનપૂર્વક અને ઘણી વેળા રસપૂર્વક સાંભળે. આવા વાર્તાલાપો વખતે હું ‘નર્સ’ હોવાથી ઘણી વેળા હાજર હોઉં. આ બધા વાતાવરણની અસર મારા ઉપર એ પડી કે સર્વ ધર્મો પ્રત્યે મારામાં સમાનભાવ પેદા થયો.

ખ્રિસ્‍તી ધર્મ માત્ર અપવાદમાં હતો. તેના પ્રત્‍યે કંઇક અભાવ થયો. તે કાળે હાઇસ્‍કૂલને ખૂણે કોઇ ખ્રિસ્‍તી વ્‍યાખ્‍યાન આપતા. તે હિંદુ દેવતાઓની ને હિંદુ ધર્મીઓની બગદોઇ કરતા. આ મને અસહ્ય લાગ્‍યું. હું એકાદ જ વખત એ વ્‍યાખ્‍યાન સાંભળવા ઊભો હોઇશ, પણ બીજી વખત ત્‍યાં ઊભવાનું મન જ ન થયું. એ જ સમયે એક જાણીતા હિંદુ ખ્રિસ્‍તી થયાનું સાંભળ્યું. ગામચર્ચા એ હતી કે તેને ખ્રિસ્‍તી ધર્મમાં પ્રવેશ કરાવવામાં આવ્‍યો ત્‍યારે ગોમાંસ ખવડાવવામાં આવ્‍યું ને દારૂ પીવડાવવામાં આવ્‍યો. તેનો પોશાક પણ બદલાવવામાં આવ્‍યો, ને તે ભાઇ ખ્રિસ્‍તી થયા પછી કોટ, પાટલૂન ને અંગ્રેજી ટોપી પહેરતા થયા. આ વાતોમાંથી મને ત્રાસ પેદા થયો. જે ધર્મને અંગે ગોમાંસ ખાવું પડે, દારૂ પીવો પડે, ને પોતાનો પોશાક બદલવો પડે એ ધર્મ કેમ ગણાય ? આવી દલીલ મારા મને કરી. વળી જે ભાઇ ખ્રિસ્‍તી થયા હતા તેણે પોતાના પૂર્વજોના ધર્મની, રીતરિવાજની અને દેશની નિદાં શરુ કર્યાનું સાંભળવામાં આવ્‍યું. આ બધી વાતોથી મારા મનમાં ખ્રિસ્‍તી ધર્મ પ્રત્‍યે અભાવ પેદા થયો.

આમ જોકે બીજા ધર્મો પ્રત્‍યે સમભાવ આવ્‍યો, છતાં મને કંઇ ઇશ્ર્વર પ્રત્‍યે આસ્‍થા હતી એમ ન કહી શકાય. આ વખતે મારા પિતાજીના પુસ્‍તકસંગ્રહમાંથી મનુસ્‍મૃતિનું ભાષાંતર હાથ આવ્‍યું. તેમાં જગતની ઉત્પત્તિ વગેરેની વાતો વાંચી. તેના પર શ્રદ્ધા ન બેઠી. ઊલટી કંઇક નાસ્તિકતા આવી. મારા બીજા કાકાના દીકરા જે હાલ હયાત છે તેમની બુદ્ધિ ઉપર મને વિશ્ર્વાસ હતો. તેમની પાસે મેં મારી શંકાઓ રજૂ કરી. પણ તે મારું સમાધાન ન કરી શકયા. તેમણે મને ઉત્તર આપ્‍યો : ‘ઉંમરે પહોંચતાં આવા પ્રશ્ર્નો તું તારી મેળે ઉકેલતાં શીખશે. એવા પ્રશ્ર્નો બાળકોએ ન કરવા ઘટે. ’ હું ચુપ રહ્યો. મનને શાંતિ ન થઇ. મનુસ્‍મૃતિના ખાદ્યાખાદ્યના