પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોર્ટે કેસ મુલતવી રાખ્યો. મેં વાઈસરોયને બધી કહીહતનો તાર મોકલી દીધો હતો. પટણા પણ તાર કર્યો હતો. ભારતભૂષણ પંડિત માલવીયજી વગેરેને પણ હકીકતના તાર મોકલી દીધા હતા. સજાને સારુ કોર્ટમાં જવાનો સમય આવ્યો તેના પહેલાં મારી ઉપર મૅજીસ્ટ્રેટનો હુકમ આવ્યો કે ગવર્નર સાહેબના હુકમથી કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે, ને કલેક્તરનો કાગળ મળ્યો કે મારે જે તપાસ કરવી હોય તે કરવી, ને તમાં જે મદદ અમલદારો તરફથી જોઈએ તે માગવી. આવા તાત્કાલિક ને શુભ પરિણામની આશા અમે કોઈએ નહોતી રાખી.

હું કલેક્ટર મિ. હેકોકને મળ્યો. તે પોતે ભલો ને ઇન્સાફ કરવા તત્પર જણાયો. જે કાગળિયાં કે બીજું કંઈ જોવું હોય તે માગી લેવાનું, ને જ્યારે તેને મળવું હોય ત્યારે મળવાનું તેણે જણાવ્યું.

બીજી તરફથી આખા હિંદુસ્તાનને સત્યાગ્રહનો અથવા કાયદાના સવિનય ભંગનો પહેલો સ્થાનિક પદાર્થપાઠ મળ્યો. છાપામાં વાત ખૂબ ચર્ચાઈ ને ચંપારણને તથા મારી તપાસને અણધારેલું જાહેરનામું મળ્યું.

મારી તપાસને સારુ જોકે સરકાર તરફથી નિષ્પક્ષપાતતાની મને જરૂર હતી, છતાં છાપાંની ચર્ચાની અને તેમના ખબરપત્રીઓની જરૂર નહોતી, એટલું જ નહીં પણ તેમની અતિશય ટીકા અને તપાસના મોટા રિપોર્ટોથી હાનિ થવાનો ભય હતો. તેથી મેં મુખ્ય છાપાંના અધિપતિઓને વિનંતી કરી હતી કે તેમણે રિપોર્ટરોને મોકલવાના ખર્ચમાં ન ઊતરવું. જેટલું છાપવાની જરૂર હશે તેટલું હું મોકલતો રહીશ ને તેમને ખબર આપતો રહીશ.

ચંપારણના નીલવરો ખૂબ ખિજાયા હતા એ હું સમજતો હતો; અમલદારો પણ મનમાં રાજી ન હોય એ હું સમજતો હતો.

છાપાંમાં સાચખોટી ખબરો આવે તેથી તેઓ વધારે ચિડાય, ને તેની ખીજની અસર મારી ઉપર તો શું જ ઊતરે, પણ ગરીબડી, બીકણ રૈયત ઉપર ઊતર્યા વિના ન રહે. અને આમ થવાથી જે સત્ય હકીકત હું શોધવા માગતો હતો તેમાં વિઘ્ન આવે. નીલવરો તરફથી તો ઝેરી હિલચાલ શરૂ થઈ ગઈ. તેમની તરફથી છાપાંમાં મારે વિષે ને સાથીઓને વિષે ખૂબ જૂઠાણાં ફેલાયાં, પણ મારી અત્યંત સાવધાનીને