પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લગીની પ્રથા પ્રજાવર્ગ પાસેથી જાહેર કામને સારુ ધન મેળવવાની નહોતી. બ્રજકિશોરબાબુનું મંડળ મુખ્યત્વે વકીલમંડળ હતું, એટલે તેઓ પ્રસંગ આવ્યે પોતાના ખીસામાંથી ખર્ચ કરી લેતા ને કંઈક મિત્રોની પાસેથી ઉઘરાવતા. પૈસેટકે સુખી એવા પોતે લોકો પાસે દ્રવ્યભિક્ષા કેમ માગે ? આ તેમની લાગણી હતી. ચંપારણની રૈયત પાસેથી એક કોડી પણ ન લેવી એવો મારો દૃઢ નિશ્ચય હતો. તે લેવાય તો ખોટો જ અર્થ થાય. આ તપાસને અર્થે હિંદુસ્તાનમાં જાહેર ઉઘરાણું ન કરવું એ પણ નિશ્ચય હતો. એમ કરતાં આ તપાસ રાષ્ટ્રીય અને રાજ્યપ્રકરણી સ્વરૂપ પકડે. મુંબઈથી મિત્રોએ રૂ. ૧૫,૦૦૦ની મદદનો તાર મોકલ્યો. તેમની મદદનો સાભાર અસ્વીકાર કર્યો. ચંપારણની બહારથી પણ બિહારના જ સુખી લોકો પાસેથી બ્રજકિશોરબાબુનું મંડળ મદદ મેળવી શકે તે લેવી ને મારે દાક્તર પ્રાણજીવનદાસ મહેતાની પાસેથી ખૂટતું દ્રવ્ય મેળવી લેવું એવો નિશ્ચય કર્યો. દાક્તર મહેતાએ જે જોઈએ તે મંગાવી લેવાનું લખ્યું. એટલે દ્રવ્યને વિષે અમે નિશ્ચિંત થયા. ગરીબાઈથી ઓછામાં ઓછે ખર્ચે રહી લડત ચલાવવાની હતી, એટલે ઘણા દ્રવ્યની જરૂર પડે તેમ નહોતું. હકીકતમાં પડી પણ નહીં. બધું થઈને બે કે ત્રણ હજારથી વધારે ખર્ચ નહોતું થયું એવો મારો ખ્યાલ છે. જે એકઠું કર્યું હતું તેમાંથી રૂપિયા ૫૦૦ કે ૧,૦૦૦ બચેલા એવું મને સ્મરણ છે.

અમારી આરંભકાળની રહેણી વિચિત્ર હતી, ને મારે સારુ તે રોજનો વિનોદનો વિષય હતો. વકીલમંડળને દરેકની પાસે નોકર રસોઇયા હોય, દરેકને સારુ નોખી રસોઈ બને. તેઓ રાતના બાર વાગ્યે પણ જમતા હોય. આ મહાશયો રહેતા તો પોતાના ખર્ચે, છતાં મારે સારુ આ રહેણી ઉપદ્રવરૂપ હતી. મારી ને મારા સાથીઓ વચ્ચે સ્નેહગાંઠ એવી મજબૂત બંધાઈ હતી કે અમારી વચ્ચે ગેરસમજણ થવા ન પામે. તેઓ મારાં શબ્દબાણ પ્રેમે ઝીલતા. છેવટે એમ ઠર્યું કે, નોકરોને રજા આપવી, સહુએ સાથે જમવું ને જમવાના નિયમ સાચવવા. બધા નિરામિષાહારી નહોતા; અને બે રસોડાં ચલાવતાં ખર્ચ વધે; તેથી નિરામિષ ભોજન જ રાંધી એક જ રસોડું ચલાવવાનો ઠરાવ થયો. ભોજન પણ સાદું રાખવાનો આગ્રહ હતો. આથી ખર્ચમાં ઘણો ફાયદો થયો, કામ કરવાની શક્તિ વધી અને વખત બચ્યો.