પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રકરણમાં અને બીજાં પ્રકરણોમાં અને બીજાં પ્રકરણોમાં પણ મેં ચાલુ પ્રથાનો વિરોધ જોયો. આ શંકાનો ઉત્તર પણ મને લગભગ ઉપરના જેવો જ મળ્યો. ‘કોક દિવસ બુદ્ધિ ખૂલશે. વધારે વાંચીશ ને સમજીશ’ એમ વિચારી મન વાળ્યું.

મનુસ્‍મૃતિ વાંચી હું એ વેળાએ અહિંસા તો ન જ શીખ્‍યો. માંસાહારની વાત તો આવી ગઇ. તેને તો મનુસ્‍મૃતિનો ટેકો મળ્યો. સર્પાદિ અને માંકડ આદિને મારવા એ નીતિ છે એમ પણ લાગ્‍યું. એ સમયે ધર્મ ગણી માંકડ આદિનો નાશ કર્યાનું મને સ્‍મરણ છે.

પણ એક વસ્‍તુએ જડ ઘાલી – આ જગત નીતિ ઉપર નભેલું છે. નીતિમાત્રનો સમાવેશ સત્‍યમાં છે. સત્‍ય તો શોધવું જ રહ્યું. દિવસે દિવસે સત્‍યનો મહિમા મારી નજર આગળ વધતો ગયો. સત્‍યની વ્‍યાખ્‍યા વિસ્‍તાર પામતી ગઇ અને હજુ પામતી રહી છે.

વળી એક નીતિનો છપ્‍પો પણ હ્રદયમાં ચોટયો. અપકારનો બદલો અપકાર નહીં પણ ઉપકાર જ હોઇ શકે એ વસ્‍તુ જિંદગીનું સૂત્ર બની ગઇ. તેણે મારી ઉપર સામ્રાજય ચલાવવું શરૂ કર્યું. અપકારીનું ભલું ઇચ્‍છવું ને કરવું એ મારો અનુરાગ થઇ પડયો. તેના અગણિત અખતરાઓ આદર્યા.

આ રહ્યો એ ચમત્‍કારી છપ્‍પો :

પાણી આપેન પાય, ભલું ભોજન તો દીજે;
આવી નમાવે શીશ, દંડવત કોડે કીજ.
આપણ ઘાસે દામ, કામ મહોરોનું કરીએ;
આપ ઉગામે પ્રાણ, તે તણા દુ:ખમાં મરીએ.
ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન, વાચા, કર્મે કરી;
અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્‍યો સહી.


૧૧. વિલાયતની તૈયારી

સને ૧૮૮૭ની સાલમાં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરી. દેશની તેમજ ગાંધી કુટુંબની ગરીબાઇ એવી રહી કે અમદાવાદ અને મુંબઈ એમ બે સ્થળે પરીક્ષા દેવાનાં હોય તો તેવી સ્થિતીના કાઠિયાવાડ નિવાસી નજીકનું અને સસ્તું અમદાવાદ પસંદ કરેૢ તેમ મારું થયું. રાજકોટથી અમદાવાદ એ મારી પહેલવેલી એકલા કરેલી મુસાફરી.