પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાથે નીલવરરાજ્યનો અસ્ત થયો, રૈયત વર્ગ જે બબાયેલો જ રહેતો હતો તેને પોતાની શક્તિનું કઈંક ભાન થયું ને ગળીનો ડાઘ ધોયો ધોવાય જ નહીં એ વહેમ દૂર થયો. ચંપરણમાં આરંભાયેલું રચનાત્મક કામ જારી રાખી લોકોમાં થોડાં વર્ષ્હો સુધી કામ કરવાની અને વધારે નિશાલો કરવાની અને વધારેમાં ગામડાંમાં પ્રવેશ કરવાની મરી ઈચ્છા હતી. ક્ષેત્ર પણ તૈયાર હતું. પણ મારા મનસૂબા ઈશ્વરે ઘણી વાર પાર જ પડવા દીધા નથી. મેં ધાર્યું હતું કઈંક ને મને દૈવ બીજા જ કામમાં ઘસડી ગયું.


૨૦. મજૂરોનો સંબંધ

હજુ ચંપારણમાં હું કમિટીનું કામ આટોપી રહ્યો હતો તેવામાં ખેડાથી મોહનલાલ પંડ્યાનો ને શંકરલાલ પરીખનો કાગળ ખેડા જિલ્લામાં નિષ્ફળ ગયેલા પાક અને મહેસૂલમાફી બાબત મળ્યો. ત્યાં જઈ લોકોને દોરવાનો તેમણે આગ્રહ કર્યો. સ્થાનિક તપાસ કર્યા વિના કંઈ સલાહ આપવાની નહોતી ઈચ્છા, નહોતી મારી શક્તિ કે હિંમત.

બીજી તરફથી શ્રી અનસૂયાબાઈનો કાગળ તેમના મજૂરસંઘ બાબત હતો. મજૂરોના પગાર ટૂંકા હતા. તેમની પગાર વધારવાની લાંબા કાળની માગણી હતી, આ બાબત તેમને દોરવાની મને હોંશ હતી. આ પ્રમાણમાં નાનું લાગતું કામ પણ હું દૂર બેઠો કરી શકું એવી મને આવડત નહોતી. તેથી પહેલી તકે હું અમદાવાદ પહોંચ્યો. મારા મનમાં એમ હતું કે, બન્ને કામની તપાસ કરી થોડા સમયમાં હું ચંપારણ પાછો પહોંચીશ ને ત્યાંના રચનાત્મક કામની દેખરેખ રાખીશ.

પણ અમદાવાદ પહોંચ્યા પછી એવાં કામો નીકળી પડ્યાં કે મારાથી ચંપારણ કેટલાક કાળ સુધી જઈ ન શકાયું, ને જે નિશાળો ચાલતી હતી તે એક પછી એક પડી ભાંગી. સાથીઓએ અને મેં કેટલાયે હવાઈ કિલ્લા બાંધ્યા હતા, પણ ઘડીભર તો તે તૂટી પડ્યા.

ચંપારણમાં ગ્રામનિશાળો અને ગ્રામસુધાર ઉપરાંત ગોરક્ષાનું કામ મેં હાથ કર્યું હતું. ગોશાળા અને હિંદી પ્રચારના કામનો ઈજારો મારવાડી ભાઈઓએ લીધો છે એવુ હું મારા ભ્રમણમાં જોઈ ચૂક્યો હતો. બેતિયામાં