પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારવાડી ગૃહસ્થે પોતાની ધર્મશાળામાં મને આશ્રય આપ્યો હતો. બેતિયાના મારવાડી ગૃહસ્થોએ મને તેમની ગોશાળામાં સંડોવ્યો હતો. મારી જે કલ્પના આજે છે તે જ કલ્પના ગોરક્ષા વિષે ત્યારે ઘડાઈ ચૂકી હતી. ગોરક્ષા એટલે ગોવંશવૃદ્ધિ, ગોજાતિસુધાર, બેલની પાસેથી મર્યાદાસર કામ લેવું, ગોશાળાને આદર્શ દુગ્ધાલય બનાવવી, વગેરે. આ કામમાં મારવાડી ભાઈઓએ પૂરી મદદ કરવાનું વચન આપ્યું હતું. પણ હું ચંપારણમાં સ્થિર ન થઈ શક્યો એટલે તે કામ અધૂરું જ રહ્યું. બેતિયામાં ગોશાળા તો આજે પણ ચાલે છે, પણ તે આદર્શ દુગ્ધાલય નથી બની શકી. ચંપારણના બેલની પાસેથી હજુ વધારેપડતું કામ લેવામાં આવે છે. નામના હિંદુઓ હજુયે બેલોને નિર્દયતાપૂર્વક માર મારે છે ને ધર્મને વગોવે છે. આ ખટકો મને હંમેશાને સારુ રહી ગયો છે. અને જ્યારે જ્યારે ચંપારણ જાઉં છું ત્યારે ત્યારે આ અગત્યનાં અધૂરાં રહેલાં કામોનું સ્મરણ કરી નિ:શ્વાસ મૂકું છું, ને તે અધૂરાં મેલવા સારુ મારવાડી ભાઈઓ અને બિહારીઓનો મીઠો ઠપકો સાંભળું છું.

નિશાળોનું કામ તો એક નહીં તો બીજી રીતે બીજી જગ્યાઓમાં ચાલે છે. પણ ગોસેવાના કાર્યક્રમે જડ જ નહોતી ઘાલી, એટલે તેને જોઈતી દિશામાં ગતિ ન મળી શકી.

અમદાવાદમાં ખેડાના કામ વિષે મસલત ચાલી રહી હતી તે દરમ્યાન મજૂરોનું કામ મેં હાથ ધરી લીધું હતું.

મારી સ્થિતિ અતિશય નાજુક હતી. મજૂરોનો કેસ મને મજબૂત જણાયો. શ્રી અનસૂયાબાઈને પોતાના સગા ભાઈની જોડે લડવાનું હતું. મજૂરો અને માલિકોની વચ્ચેના આ દારુણ યુદ્ધમાં શ્રી અંબાલાલ સારાભાઈએ મુખ્ય ભાગ લીધો હતો. મિલમાલિકો સાથે મારો સંબંધ મીઠો હતો, તેમની સામે લડવું એ વિષમ કામ હતું. તેમની સાથે મસલતો કરી તેમને મજૂરોની માગણી વિષે પંચ નીમવા વીનવ્યા. પણ માલિકોએ પોતાની અને મજૂરોની વચ્ચે પંચની દરમ્યાનગીરી હોવાની યોગ્યતાનો સ્વીકાર ન કર્યો.

મજૂરોને મેં હડતાલ પાડવાની સલાહ આપી. આ સલાહ આપતાં પહેલાં મજૂરોના અને મજૂર આગેવાનોના પ્રસંગમાં સારી રીતે આવ્યો.