પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમને હડતાળની શરતો સમજાવી:

૧. શાંતિનો ભંગ ન જ કરવો.
૨. જે કામે ચડવા માગે તેના ઉપર બળાત્કાર ન કરવો.
૩. મજૂરોએ ભિક્ષાન્ન ન ખાવું.
૪. હડતાળ ગમે તેટલી લંબાય તોયે તેમણે દૃઢ રહેવું, ને પોતાનો પૈસો ખૂટે તો બીજી મજૂરી મેળવી ખાવાજોગું કમાવું.

આ શરતો આગેવાનો સમજ્યા ને તેમણે કબૂલ રાખી. મજૂરોની જાહેર સભા થઈને તેમાં ઠરાવ કર્યો કે, પોતાની માગણીનો સ્વીકાર ન થાય, અથવા તેની યોગ્યતા અયોગ્યતાની તપાસ કરવા પંચ ન નિમાય, ત્યાં લગી તેમણે કામ ઉપર ન જવું.

આ હડતાળ દરમ્યાન શ્રી વલ્લભભાઈ અને શ્રી શંકરલાલ બૅંકરને હું ખરી રીતે ઓળખતો થયો કહેવાઉં. શ્રી અનસૂયાબાઈનો પરિચય મને તેની પૂર્વે જ સારી રીતે થઈ ચૂક્યો હતો.

હડતાળિયાઓની સભા રોજ નદીકિનારે એક ઝાડની છાયા નીચે ભરાવા લાગી. તેમાં તેઓ સેંકડોની સંખ્યામાં રોજ હાજરી પૂરતા હતા. પ્રતિજ્ઞાનું હું તેમને રોજ સ્મરણ કરાવતો; શાંતિ જાળવવાની, સ્વમાન સંઘરવાની આવશ્યકતા સમજાવતો હતો. તેઓ પોતાનો 'એક ટેક'નો વાવટો લઈ રોજ શહેરમાં ફરતા ને સરઘસરૂપે સભામાં હાજર થતા.

આ હડતાળ એકવીસ દિવસ ચાલી. તે દરમ્યાન વખતોવખત માલિકોની જોડે હું મસલત કરતો, ઇન્સાફ કરવા વીનવતો. 'અમારે પણ ટેક હોય ના? અમારી ને અમારા મજૂરોની વચ્ચે બાપદીકરાનો સંબંધ હોય. ...તેની વચ્ચે કોઈ આવે તે અમે કેમ સહન કરીએ? તેની વચ્ચે પંચ કેવા?' આ જવાબ મને મળતો.

૨૧. આશ્રમની ઝાંખી

મજૂરના કારણને આગળ ચલાવતા પહેલાં આશ્રમની ઝાંખી કરી લેવાની આવશ્યકતા છે. ચંપારણમાં રહેતો છતો આશ્રમને હું વીસરી શકતો નહોતો. કોઈ કોઈ વાર ત્યાં આવી પણ જતો.

કોચરબ અમદાવાદની પાસેનું નાનકડું ગામડું છે. અને આશ્રમનું