પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્થાન એ ગામમાં હતું. કોચરબમાં મરકીએ દેખાવ દીધો. બાળકોને હું તે વસ્તીની મધ્યે સુરક્ષિત નહોતો રાખી શકતો. સ્વચ્છતાના નિયમો ગમે તેટલા સાવધાનીથી પાળાતાં છતાં, આસપાસની અસ્વચ્છતાથી આશ્રમને અલિપ્ત રાખવું અસંભવિત હતું. કોચરબના લોકોની પાસે સ્વચ્છતાના નિયમોનું પાલન કરાવવાની અથવા તેમની આવે સમયે સેવા કરવાની અમારી શક્તિ નહોતી. અમારો આદર્શ તો એ હતો કે, આશ્રમ શહેર અથવા ગામથી અલગ રાખવું, છતાં એટલું દૂર નહીં કે ત્યાં પહોંચતા બહુ મુશ્કેલી પડે. કોઈક દિવસ તો આશ્રમ આશ્રયરૂપે શોભે તે પહેલાં તેને પોતાની જમીન પર ને ખુલ્લી જગ્યામાં સ્થિર થવાનું હતું જ.

મરકીને મેં કોચરબ છોડવાની નોટિસરૂપે ગણી. શ્રી પૂંજાભાઈ હીરાચંદ આશ્રમની સાથે ઘણો નિકટનો સંબંધ રાખતા, ને આશ્રમની ઝીણીમોટી સેવા શુદ્ધ, નિરભિમાન ભાવે કરતા. તેમને અમદાવાદના વહીવટનો બહોળો અનુભવ હતો. તેમણે આશ્રમને સારુ જોઈતી જમીન તરત શોધી લાવવાનું બીડું ઝડપ્યું. કોચરબની ઉત્તર દક્ષિણનો ભાગ હું તેમની સાથે ફર્યો. પછી ઉત્તર તરફ ત્રણ ચાર માઈલ દૂર ટૂકડો મળે તો શોધી લાવવાનું મેં તેમને સૂચવ્યું. હાલ જ્યાં આશ્રમ છે તે જમીન તેઓ શોધી લાવ્યા. તે જેલની નજદીક છે એ મારે સારુ ખાસ પ્રલોભન હતું. સત્યાગ્રહ આશ્રમવાસીને કપાળે જેલ તો લખી જ હોય એવી માન્યતા હોવાથી જેલનો પડોશ ગમ્યો. એટલું તો હું જાણતો હતો કે, હંમેશાં જેલનું સ્થાન જ્યાં આસપાસ સ્વચ્છ જગ્યા હોય તેવે ઠેકાણે શોધવામાં આવે છે.

આઠેક દિવસમાં જ જમીનનો સોદો કર્યો. જમીન ઉપર એકે મકાન નહોતું; એક પણ ઝાડ નહોતું. નદીનો કિનારો અને એકાંત તેને સારુ મોટી ભલામણ હતી. અમે તંબૂમાં રહેવાનો નિશ્ચય કર્યો. રસોડાને સારુ એક પતરાનું કામચલાઉ છાપરું બાંધવાનું ને ધીમે ધીમે સ્થાયી મકાન બાંધવાનો આરંભ કરવાનું ધાર્યું.

આ વખતે આશ્રમની વસ્તી વધી હતી. આશરે ચાળીસ નાનાં મોટાં સ્ત્રીપુરુષો હતાં. બધાં એક જ રસોડે જમતાં હતાં એટલી સગવડ હતી. યોજનાની કલ્પના મારી હતી. અમલનો બોજો ઉપાડનાર તો શિરસ્તા મુજબ સ્વ. મગનલાલ જ હતા.