પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિંસક હોય છે તેમ નબળા પડ્યા તે જેઓ મિલમાં જતા તેમનો દ્વેષ કરવા લાગ્યા, ને કદાચ કોઈની ઉપર બળાત્કાર વાપરશે એવી મને બીક લાગી. રોજની સભામાં માણસોની હાજરી મોળી પડી. આવ્યા તેમના ચહેરા ઉપર ઉદાસીનતા છવાઈ હતી. મને ખબર મળી કે મજૂરો ડગવા લાગ્યા છે. હું મૂંઝાયો. આવે સમયે મારો ધર્મ શો છે એ વિચારવા લાગ્યો. દક્ષિણ આફ્રિકાની મજૂરોની હડતાળનો મને અનુભવ હતો, પણ આ અનુભવ નવો હતો. જે પ્રતિજ્ઞા કરાવવામાં મારી પ્રેરણા હતી, જેનો હું રોજ સાક્ષી બનતો, એ પ્રતિજ્ઞા કેમ તૂટે? આ વિચાર અભિમાન ગણાય, અથવા તે મજૂરો પ્રત્યેનો અને સત્ય પ્રત્યેનો પ્રેમ ગણાય.

સવારનો પહોર હતો. હું સભામાં હતો. મને કંઈ ખબર નહોતી કે મારે શું કરવું છે. પણ સભામાં જ મારાથી કહેવાઈ ગયું, 'જો મજૂરો પાછા સજ્જ ન થાય ને નિકાલ ન થાય ત્યાં લગી હડતાળ નિભાવી ન શકે તો અને ત્યાં લગી મારે ઉપવાસ કરવો છે.'

હાજર રહેલા મજૂરો હેબતાઈ ગયા, અનસૂયાબહેનની આંખમાંથી આંસુની ધારા ચાલી. મજૂરો બોલી ઊઠ્યા, 'તમે નહીં, અમે ઉપવાસ કરીશું, પણ તમારાથી ઉપવાસ થાય નહીં. અમને માફ કરો, અમારી ટેક પાળશું.'

મેં કહ્યું, 'તમારે ઉપવાસ કરવાની જરૂર નથી. તમે તમારી પ્રતિજ્ઞાનું પાલન કરો એટલે બસ છે. આપણી પાસે પૈસા નથી. આપણે મજૂરોને ભિક્ષાન્ન ખવડાવી હડતાળ નથી ચલાવવી. તમે કંઈક મજ્રૂરી કરો ને તમારી રોજની રોટી જેટલા પૈસા મેળવો એટલે હડતાળ ગમે તેટલી ચાલે તો પણ તમે નિશ્ચિંત રહી શકો. મારો ઉપવાસ હવે નિકાલ પહેલાં ન છૂટે.'

વલ્લભભાઈ તેમને સારુ મ્યુનિસિપાલિટીમાં કામ શોધતા હતા, પણ ત્યાં કંઈ મળે તેમ નહોતું. આશ્રમની વણાટશાળામાં રેતીની પૂરણી પૂરવાની હતી, તેમાં ઘણા મજૂરોને કામ સોંપવું એમ મગનલાલે સૂચવ્યું. મજૂરો તેમ કરવા તૈયાર થયા. અનસૂયાબહેને પહેલ કરી, ને નદીમાંથી રેતીના ટોપલા સારતા મજૂરોની હાર જામી. આ દૃશ્ય જોવા જેવું હતું. મજૂરોમાં નવું જોર આવ્યું. તેમને પૈસા ચૂકવનારા ચૂકવતાં થાક્યા.

આ ઉપવાસમાં એક દોષ હતો. માલિકોની સાથે મને મીઠો સંબંધ