પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતો એ હું લખી ચૂક્યો છું. તેથી તેમને ઉપવાસ સ્પર્શ કર્યા વિના ન જ રહે. સત્યાગ્રહી તરીકે મારાથી તેમની સામે ઉપવાસ ન જ કરાય એ હું જાણતો હતો. તેમની ઉપર જે અસર પડે તે મજૂરોની હડતાળની જ પડવી જોઈએ. મારું પ્રાયશ્ચિત્ત તેમના દોષોને સારુ નહોતું; મજૂરોના દોષને અંગે હતું. હું મજૂરોનો પ્રતિનિધિ હતો, તેથી તેમના દોષે હું દોષિત થાઉં. માલિકોને તો મારાથી માત્ર વીનવાય, તેમની સામે ઉપવાસ કરવો ત્રાગામાં ખપે. છતાં મારા ઉપવાસની તેમના ઉપર અસર પડ્યા વિના ન જ રહે એમ હું જાણતો હતો. પડી પણ ખરી. પણ મારા ઉપવાસને હું રોકી શકતો નહોતો, આવો દોષમય ઉપવાસ કરવાનો મારો ધર્મ મેં પ્રત્યક્ષ જોયો.

માલિકોને મેં સમજાવ્યા, 'મારા ઉપવાસથી તમારે તમારો માર્ગ છોડવાની જરાયે જરૂર નથી.' તેમણે મને કડવાંમીઠા મહેણાં પણ માર્યાં. તેમ કરવાનો તેમને અધિકાર હતો.

શેઠ અંબાલાલ આ હડતાળની સામે મક્કમ રહેવામાં અગ્રેસર હતા. તેમની દૃઢતા આશ્ચર્ય પમાડનારી હતી. તેમની નિખાલસતા પણ મને તેટલી જ ગમી. તેમની સામે લડવું મને પ્રિય લાગ્યું. એમના જેવા અગ્રેસર જ્યાં વિરોધી પક્ષમાં હતા ત્યાં ઉપવાસની તેમની ઉપર પડનારી આડી અસર મને ખૂંચી. વળી તેમનાં ધર્મપત્ની શ્રી સરલાદેવીનો મારા પ્રત્યે સગી બહેનના જેટલો પ્રેમ હતો. મારા ઉપવાસથી તેમને થતી અકળામણ મારાથી જોઈ જતી નહોતી.

મારા પહેલા ઉપવાસમાં તો અનસૂયાબહેન, બીજા ઘણા મિત્રો ને મજૂરો સાથી થયા. તેમને વધારે ઉપવાસ ન કરવા હું મુશ્કેલીથી સમજાવી શક્યો. આમ ચોમેર વાતાવરણ પ્રેમમય બની ગયું. માલિકો કેવળ દયાને વશ થઈ સમાધાની કરવાના રસ્તા શોધવા લાગ્યા. અનસૂયાબહેનને ત્યાં તેમની મસલતો ચાલવા લાગી. શ્રી આનંદશંકર ધ્રુવ પણ વચમાં પડ્યા. છેવટે તેઓ પંચ નિમાયા અને હડતાળ છૂટી. મારે ત્રણ જ ઉપવાસ કરવા પડ્યા. માલિકોએ મજૂરોને મીઠાઈ વહેંચી. એકવીસ દિવસે સમાધાની થઈ. સમાધાનીનો મેળાવડો થયો તેમાં માલિકો અને ઉત્તર વિભાગના કમિશનર હાજર હતા. કમિશનરે મજૂરોને સલાહ આપી હતી, 'તમારે