પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હંમેશાં મિ. ગાંધી કહે તેમ કરવું.' એમની જ સામે મારે આ બનાવ પછી તુરત ઝૂઝવું પડ્યું હતું. સમય બદલાયો એટલે તે પણ બદલાયા, ને ખેડાના પાટીદારોને મારી સલાહ ન માનવાનું કહેવા લાગ્યા.

એક રસિક તેમ જ કરુણાજનક બનાવની નોંધ અહીં લેવી ઘટે છે. માલિકોએ તૈયાર કરાવેલી મીઠાઈ પુષ્કળ હતી, અને તે હજારો મજૂરોમાં કઈ રીતે વહેંચવી એ સવાલ થઈ પડ્યો હતો. જે ઝાડના આશ્રય તળે મજૂરોએ પ્રતિજ્ઞા લીધી હતી ત્યાં તે વહેંચવી યોગ્ય છે એમ જાણીને, અને બીજે ક્યાંયે હજારો મજૂરોને એકઠા કરવા અગવડ ભરેલું ગણાય એમ સમજીને, ઝાડની આસપાસના ખુલ્લા મેદાનમાં વહેંચવાનો ઠરાવ થયો હતો. મારા ભોળપણમાં મેં માની લીધું કે એકવીસ દિવસ લગી નિયમનમાં રહેલા મજૂરો વિનાપ્રયત્ને હારબંધ ઊભા રહી મીઠાઈ લેશે ને અધીરા થઈ મીઠાઈ ઉપર હુમલો નહીં કરે. પણ મેદાનમાં વહેંચવાની બે ત્રણ રીતો અજમાવી તે નિષ્ફળ ગઈ. બે ત્રણ મિનિટ સીધું ચાલે ને તુરત બાંધેલી હાર તૂટે. મજૂરોના આગેવાનોએ ખૂબ પ્રયત્ન કર્યા પણ તે ફોગટ નીવડ્યા. છેવટે ભીડ, ઘોંઘાટ ને હુમલો એવાં થયાં કે કેટલીક મીઠાઈ કચરાઈ બરબાદ ગઈ. મેદાનમાં વહેંચવાનું બંધ કરવું પડ્યું, ને મુશ્કેલીથી રહેલી મીઠાઈને બચાવીને શેઠ અંબાલાલના મિરજાપુરને બંગલે પહોંચાડી શક્યા. આ મીઠાઈ બીજે દહાડે બંગલાના મેદાનમાં જ વહેંચવી પડી.

આમાં રહેલો હાસ્યરસ સ્પષ્ટ છે. 'એક ટેક'ના ઝાડ પાસે મીઠાઈ ન વહેંચી શકાઈ તેનું કારણ શોધતાં એમ જોવામાં આવ્યું કે, મીઠાઈ વહેંચવાની છે એ જાણવાથી અમદાવાદના ભિખારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા, ને તેમણે કતારો તોડી મીઠાઈ ઝડપવાના પ્રયત્નો કરેલા. આ કરૂણરસ હતો.

આ દેશ ભૂખમરાથી એવો પીડાય છે કે, ભિખારીઓની સંખ્યા વધતી જાય છે ને તેઓ ખાવાનું મેળવવાને સારુ સામાન્ય મર્યાદાનો લોપ કરે છે. ધનિક લોકો વગરવિચારે, આવા ભિખારીઓને સારુ કામ શોધી આપવાને બદલે તેમને ભિક્ષા આપી પોષે છે.