પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રવેશ તો આ લડતથી જ થયો એમ કહી શકાય. સેવકો પાટીદારના જીવનમાં ઓતપ્રોત થયા હતા. સ્વયંસેવકોને પોતાના ક્ષેત્રની મર્યાદા આ લડતમાં જ જડી, તેમની ત્યાગશક્તિ વધી. વલ્લભભાઇએ પોતાને આ લડતમાં ઓળખ્યા એ એક જ જેવું તેવું પરિણામ નહોતું, એમ આપણે ગયે વર્ષે સંકટનિવારણ વખતે અને આ વર્ષે બારડોલીમાં જોઇ શક્યા. ગુજરાતના પ્રજાજીવનમાં નવું તેજ આવ્યું, નવો ઉત્સાહ રેડાયો. પાટીદારને પોતાની શક્તિનું જ્ઞાન થયું તે કદી ન ભુલાયું. સહુ સમજ્યા કે પ્રજાની મુક્તિનો આધાર પોતાની ઉપર છે, ત્યાગશક્તિ ઉપર છે. સત્યાગ્રહે ખેડાની મારફતે ગુજરાતમાં જડ ઘાલી. એટલે, જોકે લડાઇના અંતથી હું રાજી ન થઈ શક્યો, પણ ખેડાની પ્રજાને તો ઉત્સાહ હતો, કેમ કે તેણે જોઈ લીધું હતું કે શક્તિ પ્રમાણે બધું મળ્યું, ને ભવિષ્યનો રાજદુઃખનિવારણનો માર્ગ તેને મળી ગયો. આટલું જ્ઞાન તેના ઉત્સાહને સારુ બસ હતું.

પણ ખેડાની પ્રજા સત્યાગ્રહનું સ્વરૂપ પૂરું નહોતી સમજી શકી, તેથી તેને કડવા અનુભવ કરવા પડ્યા એ આપણે હવે પછી જોઇશું.

૨૬. ઐક્યની ઝંખના

ખેડાનું પ્રકરણ ચાલતું હતું તે વખતે યુરોપનું મહાયુદ્દ પણ ચાલતું જ હતું. તેને અંગે વાઈસરોયે દિલ્હીમાં આગેવાનોને નોતર્યા હતા. તેમાં હાજર રહેવાનો મને આગ્રહ કર્યો હતો. લોર્ડ ચેમ્સફ્રર્ડની સાથે મારો મૈત્રીનો સંબંધ હતો એ હું જણાવી ગયો છું.

મેં આમંત્રણ કબૂલ રાખ્યું ને હું દિલ્હી ગયો. પણ આ સભામાં ભાગ લેવામાં મને એક સંકોચ તો હતો જ. મુખ્ય કારણ તો એ કે તેમાં અલીભાઈઓ, લોકમાન્ય અને બીજા નેતાઓને નોતરવામાં આવ્યા નહોતા. તે વેળા અલીભાઈઓ જેલમાં હતા. તેમને હું એકબે વાર જ મળ્યો હતો. તેમને વિષે ઘણું સાંભળ્યું હતું. તેમની સેવાવૃતિ અને તેમની બહાદુરીની સ્તુતિ સહુ કરતા હતા. હકીમસાહેબના પ્રસંગમાં પણ હું નહોતો આવ્યો. તેમનાં વખાણ સ્વ. આચાર્ય રુદ્ર અને દીનબંધુ એન્ડ્રુઝને મોઢેથી બહુ સાંભળ્યાં હતાં. કલકત્તાની મુસ્લિમ લીગની બેઠક વખતે શ્વેબ કુરેશી અને બારિસ્ટર ખ્વાજાની મુલાકાત કરી હતી. દાક્તર