પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનસારી તથા દા. અબદુર રહેમાનની સાથે પણ સંબંધ બંધાઈ ચૂક્યો હતો. સારા મુસલમાનોની સોબત હું શોધતો હતો, ને જે પવિત્ર અને દેશભક્ત ગણાય તેમના સંબંધમાં આવી તેમની લાગણી જાણવાની મને તીવ્ર ઈચ્છા હતી. તેથી મને તેઓ તેમના સમાજમાં જ્યાં લઈ જાય ત્યાં કંઈ ખેંચતાણ કરાવ્યા વિના જતો.

હિંદુમુસલમાન વચ્ચે ખરી મિત્રાચારી નથી એ તો હું દક્ષિણ આફ્રિકામાં જ સમજી ગયો હતો. બંને વચ્ચેની ખટાશ મટે તેવો એક પણ ઉપાય હું ત્યાં જતો ન કરતો. ખોટી ખુશામત કરી કે સ્વત્વ ગુમાવી તેમને કે કોઈને રીઝવવા એ મારા સ્વભાવમાં નહોતું. પણ ત્યાંથી જ હું સમજતો આવ્યો હતો કે, મારી અહિંસાની કસોટી ને તેનો વિશાળ પ્રયોગ આ અૈક્યને અંગે થવાનાં છે. હજુ પણ મારો એ અભિપ્રાય કાયમ છે. મારી કસોટી ઈશ્વર પ્રતિક્ષણ કરી રહેલ છે. મારો પ્રયોગ ચાલુ જ છે.

આવા વિચારો લઈને હું મુંબઈ બંદરે ઊતર્યો હ્તો, એટલે મને મજકૂર ભાઈઓનો મેળાપ ગમ્યો. અમારો સ્નેહ વધતો ગયો. અમારી ઓળખાણ થયા પછી તુરત અલીભાઈઓને તો સરકારે જીવતા દફન કર્યા હતા. મૌલાના મહમદાલીને રજા મળતી ત્યારે એ મને લાંબા કાગળ બેતુલ જેલથી કે છિંદવાડાથી લખતા. તેમને મળવા જવાની મેં સરકાર પાસે માગણી કરેલી તે ન મળી શકી.

અલીભાઈઓને જપ્ત કર્યા પછી કલકત્તા મુસ્લિમ લીગની સભામાં મને મુસલમાન ભાઈઓ લઈ ગયા હતા. ત્યાં મને બોલવાનું કહેલું. હું બોલ્યો. અલીભાઈઓને છોડાવવાનો મુસલમાનોનો ધર્મ સમજાવ્યો.

આ પછી તેઓ મને અલીગઢ કોલેજમાં પણ લઈ ગયા હતા. ત્યાં મેં દેશને સારુ ફકીરી લેવા મુસલમાનોને નોતર્યા.

અલીભાઈઓને છોડાવવાને સારુ મેં સરકારની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેને અંગે એ ભાઈઓની ખિલાફત વિષેની પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો. મુસલમાનો જોડે ચર્ચા કરી. મને લાગ્યું કે, જો હું મુસલમાનોનો સાચો મિત્ર થવા માગું તો મારે અલીભાઈઓને છોડાવવામાં ને ખિલાફતનો પ્રશ્ન ન્યાયપુર:સર ઉકેલાય તેમાં પૂરી મદદ દેવી જોઈએ. ખિલાફતનો પ્રશ્ન મારે સારુ સહેલો હતો. તેના સ્વતંત્ર ગુણદોષ મારે જોવાપણું નહોતું.