પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મુસલમાનોની તેને વિષેની માગણી જો નીતિ વિરુદ્દ ન હોય તો મારે મદદ દેવી જોઈએ એમ મને લાગ્યું. ધર્મના પ્રશ્નમાં શ્રદ્દા સર્વોપરી હોય છે. સૌની શ્રદ્દા એક જ વસ્તુને વિષે એકસરખી હોય તો જગતમાં એક જ ધર્મ હોય. ખિલાફત વિષેની માગણી મને નીતિ વિરુદ્ધ ન જણાઈ, એટલું જ નએએં પણ, એ ક માગણીનો સ્વીકાર બ્રિટિશ પ્રધાન લૉઈડ જ્યૉર્જે કર્યો હતો, એટલે મારે તો તેમના વચનનું પાલન કરાવવા પૂરતો જ પ્રયત્ન કરવાનું રહ્યું હતું. વચન એવા સ્પષ્ટ શબ્દોમાં હતું કે મર્યાદિત ગુણદોષ તપાસવાનું કામ કેવળ મારા અંતરાત્માને પ્રસન્ન કરવા ખાતર કરવાનું હતું.

ખિલાફતના પ્રશ્નમાં મેં મુસલમાનોને સાથ દીધો તે વિષે મિત્રોએ અને ટીકાકારોએ મને ઠીક ઠીક ટીકાઓ સંભળાવી છે. એ બધાનો વિચાર કરતાં છતાં, જે અભિપ્રાયો મેં બાંધ્યા ને જે મદદ દીધી એવડાવી તેને વિષે મને પશ્ચાતાપ નથી, તેમાં મારે કશું સુધારવાપણું નથી. આજે પણ એવો પ્રશ્ન ઊઠે તો મારી વર્તણૂક એવા જ પ્રકારને હોય એમ મને ભાસે છે.

આવી જાતના વિચારોભર્યો હું દિલ્હી ગયો. મુસલમાનોના દુઃખ વિષેની ચર્ચા મારે વાઈસરૉય સાથે કરવાની જ હતી. ખિલાફતના પ્રશ્ને હજુ પોતાનું પૂર્ણ સ્વરૂપ પકદ્યું નહોતું.

દિલ્હીમાં પહોંચતાં દીનબંધુ ઍન્ડ્રુઝે એક નૈતિક પ્રશ્ન ઊભો કર્યો. એ જ અરસામાં ઈટાલી ને ઈંગ્લંડ વચ્ચેના છૂપા કરારો વિષેની ચર્ચા અંગ્રેજી અખબારોમાં થયેલી તેની દીનબંધુએ મને વાત કરી ને કહ્યું:'જો આમ છૂપા કરારો ઈંગ્લંડે કોઈ સત્તાની સાથે કર્યા હોત તો તમારાથી આ સભામાં કેમ મદદગાર ભાગ લેવાય?' હું આ કરારો વિષે કંઈ જાણતો નહોતો. દીનબંધુનો શબ્દ મારે સારુ બસ હતો. આવા કારણને અંગે સભામાં ભાગ લેવાની આનાકાની કરનારો પત્ર મેં લૉર્ડ ચેમ્સફર્ડને લખ્યો. તેમણે મને ચર્ચા કરવા બોલાવ્યો. તેમની સાથે ને પછી મિ. મેફીની સાથે મને લાંબી ચર્ચા થઈ. તેનો અંત એ આવ્યો કે મેં સભામાં ભાગ લેવાનું સ્વીકાર્યું. વાઈસરોયની દલીલ ટૂંકમં આ હતી: ' તેમે એમ તો નથી માનતા ને કે બ્રિટિશ કૅબિનેટ જે કંઈ કરે તેની વઈસરૉયની જાણ હોવી જોઈએ? બ્રિટિશ સરકાર કોઈ દિવસ સરકાર કોઈ દિવસ ભૂલ ન જ કરે એવો દાવો હું