પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી કરતો, કોઈ કરતું નથી. પણ જો તેની હસ્તી જગતને કલ્યાણકારી છે એમ તમે કબૂલ કરો, જો તેની પ્રવૃત્તિથી આ દેશને કલ્યાણકારી છે એમ તમે માનો, તો દરેક શહેરીનો તેની આઓઅતિને સમયે સતેને મદદ દેવાનો ધર્મ છે એમ તમે કબૂલ નહીં કરો? છૂપા કરારને વિષે જે તમે છાપામાં જોયું છે તે મેં પણજોયું છે. એથી વિશેષ હું નથીએ જાણતો એ હુ તમને ખાતરીપૂર્વક કહી શકું છું. છાપામાં કેવી ગપો આવે છે એ તો તમે જાણો જ છો. શું છાપમાં આવેલી એક નિંદક વાતથી તમે સલ્તનતનો આવે સમયે ત્યાગ કરી શકો છો? લડાઈ પૂરી થઈ ગયા પછી તમારે જેટલા નીતિના પ્રશ્નો ઉઠાવવા હોય એટલા ઉઠાવી શકો છો, ને જેટલી વઢવાડ કરવી હોય એટલી કરી શકો છો.'

આ દલીલે નવી નહોતી. જે અવસરે ને જેવી રીતે મુકાઈ તેથી મને નવી જેવી જણાઈ ને મેં સભામાં જવાનું કબૂલ કર્યું. ખિલાફત બબત મારે વાઈસરૉયને કાગળ લખી મોકલવો એમ ઠર્યું.


૨૭. રંગરૂટની ભરતી

સભામાં હું હાજર થયો. વાઈસરૉયની તીવ્ર ઈચ્છા હતી કે મારે સિપાહીને મદદના ઠરાવને ટેકો આપવો. મેં હિંદી-હિંદુસ્તાનીમાં બોલવાની માંગની કરી. વાઈસરૉયે તે સ્વીકારી, પણ સાથે જ અંગ્રેજીમાં બોલવાનું સૂચવ્યું. મરે તો ભષન કરવું જ નહોતું. હું જે બોલ્યો ત્ આટલું જ હતું: 'મને મારી જવાબદારીનું પૂરતું ભાન છે, ને તે જવાબદારી સમજતો છતો હું આ ઠરાવને ટેકો આપું છું.'

મને હિંદુસ્તાનીમાં બોલવા સારુ ઘણાએ ધન્યવાદ આપ્યા. તેઓ કહેતા હતા કે, વાઈસરૉયની સભામાં આ કાળમાં હિંદુસ્તાનીમાં બોલવાનો આ પહેલો દાખલો હતો. ધન્યવાદ અને પહેલો દાખલો હોવાની ખબર ખૂંચ્યા. હું શરમાયો. આપના જ દેશમાં, દેશને લાગતા કામની સભામાં દેશની ભાષાનો બહિષ્કાર કે તેની અવગણના એ કેવી દુઃખની વાત! અને મરા જેવા કોઈ હિંદુસ્તાનીમાં એક બે વાક્ય બોલે તો તેમાં ધન્યવાદ શા? આવા પ્રસંગો આપની પડતી દશાનું ભાન કરાવનારા છે. સભામાં બોલેલા વાક્યમાં મરે સારુ તો બહુ વજન હતું. એ સભા કે એ ટૅકો