પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ ઊભી હતીતે બોલી ઊઠી.

'બકરીનું દૂધ લો એટલે મારું કામ પત્યું,' દાક્તર વચ્ચે બોલ્યા.

હું પડ્યો. સત્યાગ્રહની લડાઈના મોહે મારામાં જીવવાનો લોભ પેદા કર્યો, ને મેં પ્રતિજ્ઞાના અક્ષરના પાલનથી સંતોષ માની તેના આત્માને હણ્યો. દૂધની પ્રતિજ્ઞા વખતે જોકે મારી સામે ગાયભેંસ જ હતાં, છતાં મારી પ્રતિજ્ઞા દૂધમાત્રની ગણાવી જોઈએ; અને જ્યાં લગી હું પશુના દૂધમાત્રને મનુષ્યના ખોરાક તરીકે નિષિદ્ધ માનું, ત્યાં લગી મને તે લેવાનો અધિકાર નથી, એમ હું જાણતો છતાં બકરીનું દૂધ લેવા તૈયાર થયો. સત્યના પૂજારીએ સત્યાગ્રહની લડાઈને સારુ જીવવાની ઇચ્છા રાખીને પોતાના સત્યને ઝાંખપ લગાડી.

મારા આ કાર્યનો ડંખ હજુ રુઝાયો નથી, અને બકરીનું દૂધ પીતાં રોજ દુ:ખ અનુભવું છું. પણ સેવા કરવાનો મહાસૂક્ષ્મ મોહ મારી પૂંઠે લાગેલો મને છોડતો નથી. અહિંસાની દષ્ટિએ ખોરાકના મારા પ્રયોગો મને પ્રિય છે. તેમાં મને આનંદ મળે છે, તે મારો વિનોદ છે. પણ મને બકરીનું દૂધ એ દષ્ટિએ અત્યારે નથી ખૂંચતું. તે મને સત્યની દષ્ટિએ ખૂંચે છે. અહિંસાને હું ઓળખી શક્યો છું તેના કરતાં સત્યને વધારે ઓળખું છું એમ મને ભાસે છે. જો સત્યને છોડું તો અહિંસાની ભારે ગૂંચવણો હું કદી ન જ ઉકેલી શકું એવો મારો અનુભવ છે. સત્યનું પાલન એટલે લીધેલા વ્રતનાં શરીર અને આત્માની રક્ષા, શબ્દાર્થ અને ભાવાર્થનું પાલન. અહીં મેં આત્માને-ભાવાર્થને હણ્યો છે એ મને રોજ ખૂંચે છે. આ જાણતો છતાં, મારા વ્રત પ્રત્યે મારો ધર્મ શો છે એ હું જાણી શક્યો નથી, અથવા કહો કે મને તેના પાલનની હિઁઅત નથી. બંને એક જ વસ્તુ છે, કેમ કે શંકાના મૂળમાં શ્રદ્ધાનો અભાવ હોય છે. ઓ ઈશ્વર, મને તું શ્રદ્ધા દે.

બકરીનું દૂધ શરૂ કર્યા પછી થોડે દહાડે દા. દલાલે ગુદાદ્વારમાં ચીરા હતા તે ઉપર શસ્ત્રક્રિયા કરી ને તે બહુ સફળ નીવડી.

પથારીમાંથી ઊઠવાની કંઈક આશા બાંધી રહ્યો હતો તે છાપાં વગેરે વાંચતો થયો હતો, તેવામાં રૉલેટ કમિટીનો રિપોર્ટ મારા હાથમાં આવ્યો. તેની ભલામણો જોઈ હું ચમક્યો. ભાઈ ઉમર અને શંકરલાલે