પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાંઈ ચોક્સ પગલું ભરાવું જોઈએ એવી માગણી કરી. એકાદ માસમાં હું અમદાવાદ ગયો. વલ્લભભાઈ લગભગ રોજ મને જોવા આવતા. તેમને મેં વાત કરી ને આ વિશે કંઈક થવું જોઈએ એમ સૂચવ્યું. 'શું થાય?' એના જવાબમાં મેં કહ્યું: 'જો થોડા માણસો પણ આ બાબતમાં પ્રતિજ્ઞા લેનારા મળી આવે તો, તે કમિટીની ભલામણ પ્રમાણે કાયદો થાય તો, આપણે સત્યાગ્રહ આદરવો જોઈએ. પથારીવશ નહોઉં તો હું એકલો પણ ઝૂઝું ને બીજાઓ મળી રહેવાની પછી આશા રાખું. મારી લાચાર સ્થિતિમાં એકલા ઝૂઝવાની મારી શક્તિ મુદ્દલ નથી.'

આ વાતચીતને પરિણામે મારા ઠીક ઠીક પ્રસંગમાં આવેલા માણસોની એક નાનકડી સભા બોલાવવાનો નિશ્ચય થયો. રૉલેટ કમિટીને મળેલ પુરાવા ઉપરથી તેણે કરેલી ભલામણ કરેલા કાયદાની મુદ્દલ જરૂર નથી એમ મને તો સ્પષ્ટ લાગ્યું. તેવો કાયદો કોઈ પણ સ્વમાન જાળવનારી પ્રજા કબૂલ ન કરી શકે એ પણ મને એટલું જ સ્પષ્ટ લાગ્યું.

પછી સભા ભરાઈ. તેમાં ભાગ્યે વીસ માણસોને નોતરવામાં આવ્યા હતા. મને યાદ છે તે પ્રમાણે, વલ્લભભાઈ ઉપરાંત તેમાં શ્રીમતી સરોજિની નાયડુ, મિ. હૉર્નીમેન, સ્વ. ઉમર સોબાની, શ્રી શંકરલાલ બૅંકર, શ્રી અનસૂયાબહેન, વગેરે હતાં.

પ્રતિજ્ઞાપત્ર ઘડાયું ને તેમાં હાજર રહેલાં બધાંએ સહી કરી એવું મને સ્મરણ છે. આ વખતે હું છાપું તો નહોતો ચલાવતો. પણ વખતોવખત છાપામાં લખતો તેમ મેં લખવાનું શરૂ કર્યું, ને શંકરલાલ બૅંકરે ખૂબ ચળવળ ઉપાડી. તેમની કામ કરવાની અને સંગઠન કરવાની શક્તિનો મને આ વખતે ખૂબ અનુભવ થયો.

ચાલતી કોઈ પણ સંસ્થા સત્યાગ્રહ જેવું નવું શસ્ત્ર ઉપાડી લે એમ બનવું મેં અશક્ય માન્યું. તેથી સત્યાગ્રહસભાની સ્થાપના થઈ. તેમાં મુખ્ય નામો મુંબઈમાં જ ભરાયાં. મથક મુંબઈ રાખવામાં આવ્યું. પ્રતિજ્ઞાઓમાં ખૂબ સહીઓ થવા માંડી ને ખેડાની લડતની જેમ પત્રિકાઓ નીકળી તથા ઠેકાણે ઠેકાણે સભાઓ થઈ.

આ સભામાં હું પ્રમુખ બન્યો હતો. મેં જોયું કે, શિક્ષિત વર્ગ અને મારી વચ્ચે મેળ નહીં જામી શકે. સભામાં ગુજરાતી ભાષાના ઉપયોગના