પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારા આગ્રહે ને મારી બીજી કેટલીક પદ્ધતિએ તેમને મૂંઝવ્યા. છતાં મારી પદ્ધતિને નિભાવી લેવાની ઘણાએ ઉદારતા બતાવી એમ મારે કબૂલ કરવું જોઈએ. પણ આરંભમાં જ મેં જોયું કે આ સભા લાંબો કાળ નહીં નભી શકે. વળી, સત્ય અને અહિંસા ઉપરનો મારો ભાર કેટલાકને અપ્રિય થઈ પડ્યો. છતાં, પ્રથમના કાળમાં આ નવું કામ તો ધમધોકાર ચાલ્યું.

૩૦. એ અદ્‌ભુત દૃશ્ય !

ગાંધીરૉલેટ કમિટીના રિપોર્ટ સામે એક તરફથી આંદોલન વધતું ચાલ્યું, બીજી તરફથી સરકાર કમિટીની ભલામણોનો અમલ કરવા મક્કમ થતી ચાલી. રૉલેટ બીલ પ્રગટ થયું. હું એક જ વાર ધારાસભાની બેઠકમાં ગયો છું. રૉલેટ બિલની ચર્ચા સાંભળવા ગયો. શાસ્ત્રીજીએ પોતાનું ધગધગતું ભાષણ કર્યું, સરકારને ચેતવણી આપી. શાસ્ત્રીજીનો વચનપ્રવાહ ચાલી રહ્યો હતો ત્યારે વાઇસરૉય તેમના તરફ તાકી રહ્યા હતા. મને તો લાગ્યું કે, આ ભાષણની તેમના મન ઉપર અસર થઈ હશે. શાસ્ત્રીજી લાગણીથી ઊભરાઈ જતા હતા.

પણ ઊંઘતાને માણસ જગાડી શકે; જાગતો ઊંઘે તેના કાનમાં ઢોલ વગાડૉ તોયે તે શાને સાંભળે ? ધારાસભામાં બિલો ચર્ચવાનું ફારસ તો કરવું જ જોઈએ. સરકારે તે ભજવ્યું. પણ તેને જે કામ કરવું હતું તેનો નિશ્ચય તો થઈ જ ચૂક્યો હતો, એટલે શાસ્ત્રીજીની ચેતવણી નિરર્થક નીવડી.

મારીતૂતીનો અવાજ તો કોણ જ સાંભળે ? મેં વાઇસરૉયને મળીને ખૂબ વીનવ્યા, ખાનગી કાગળો લખ્યા, જાહેર કાગળો લખ્યા. સત્યાગ્રહ સિવાય મારી પાસે બીજો માર્ગ નથી એ તેમાં સ્પષ્ટ જણાવ્યું. પણ બધું ફોગટ ગયું.

હજુ બિલ ગૅઝેટમાં નહોતું આવ્યું. મારું શરીર તો નબળું હતું, પણ મેં લાંબી મુસાફરીનું જોખમ ખેડ્યું. મારામાં ઊંચે સાદે બોલવાની શક્તિ ગઈ તે પાછી હજુ લગી નથી આવી. ઊભાં ઊભાં જરાક વાર બોલતાં આખું શરીર કંપે ને છાતીમાં ને પેટમાં મુંઝારો થઈ આવે. પણ મદ્રાસથી આવેલા આમંત્રણને સ્વીકરવું જ જોઈએ એમ મને લાગ્યું. દક્ષિણ પ્રાંતો તે વખતે પણ મને