પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપણે આખા દેશને હડતાળ પાડવાનું સૂચવવું. સત્યાગ્રહ આત્મશુદ્ધિની લડત છે. ધર્મકાર્ય શુદ્ધિથી શરૂ કરવું ઠીક લાગે છે. તે દિવસે સહુ ઉપવાસ કરે ને કામધ્ંધો બંધ કરે. મુસલમાન ભાઈઓ રોજા ઉપરાંત વધારે ઉપવાસ નહીં રાખે, એટલે ઉપવાસ ચોવીસ કલાકના રાખવાની ભલામણ કરવી. આમાં બધા પ્રાંતો ભળશે કે નહીં એ તો કહી ન શકાય. મુંબઈ, મદ્રાસ, બિહાર ને સિંધની તો મને આશા છે જ. આટલી જગ્યાઓએ બરોબર હડતાળ પડે તો આપણે સંતોષ માનવો જોઈએ.'

આ સૂચના રાજગોપાલાચાર્યને ખૂબ ગમી. પછી બીજા મિત્રોને તુરત જણાવી. સહુએ વધાવી લીધી. એક નાનકડી નોટિસ મેં ઘડી કાઢી. પ્રથમ ૧૯૧૯ના માર્ચની ૩૦મી તારીખ નાખવામાં આવી હતી, પછી ૬ઠ્ઠી ઍપ્રિલ કરવામાં આવી. લોકોને ખબર ઘણા જ થોડા દિવસની આપવામાં આવી હતી. કાર્ય તુરત કરવાની આવશ્યકતા માનવાથી તૈયારીને સારુ લાંબી મુદ્દત આપવાનો વખત જ નહોતો.

પણ કોણ જાણે કેમ, આખું ગોઠવાઈ ગયું ! આખા હિંદુસ્તાનમાં-શહેરોમાં ને ગામડામાં-હડતાળ પડી. આ દશ્ય ભવ્ય હતું.

૩૧. એ સપ્તાહ !—૧

દક્ષિણમાં થોડી મુસાફરી કરી એપ્રિલની ચોથીએ ઘણે ભાગે મુંબઈ પહોંચ્યો. છઠ્ઠી ઊજવવા મારે મુંબઈ હાજર રહેવું એવો શ્રી શંકરલાલ બેંકરનો તાર હતો.

પણ તે પહેલાં દિલ્હીમાં તો હડતાળ ૩૦મી માર્ચે ઊજવાઈ હતી. દિલ્હીમાં સ્વ. શ્રધ્ધાનંદજી અને મરહૂમ હકીમસાહેબ અજમલખાનની આણ ચાલતી હતી. છઠ્ઠી તારીખ સુધી હડતાળની મુદત લંબાયાના ખબર દિલ્હી મોડા પહોંચ્યા હતા. દિલ્હીમાં તે તારીખે હડતાળ પડી તેવી કદી પૂર્વે પડી જ નહોતી. હિંદુ અને મુસલમાન બન્ને એકદિલ થવા લાગ્યા. શ્રધ્ધાનંદજીને જુમામસ્જિદમાં નોતરવામાં આવ્યા હતા ને ત્યાં તેમને ભાષણ કરવા દેવામાં આવ્યું હતું. આ બધું સત્તાવાળાઓ સહન નહોતા કરી શક્યા. સરઘસ રેલવે સ્ટેશન તરફ જતું હતું તેને પોલીસે રોકેલું. પોલીસે ગોળીબાર કરેલા. કેટલાક લોકો જખમી થયા. કંઈ ખૂન