પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ આ વિષયને નોખું પ્રકરણ આપવું પડશે.

સાતમીની રાતે હું દિલ્હી અમૃતસર જવા નીકળ્યો. આઠમીએ મથુરા પહોંચતાં કંઈ ભણકાર આવ્યો કે કદાચ મને પકડશે. મથુરા પછી એક સ્ટેશને ગાડી ઊભી રહેતી હતી ત્યાં આચાર્ય ગિદવાણી મળ્યા. તેમણે હું પકડાવાનો છું. એવા વિશ્વાસપાત્ર ખબર આપ્યા ને પોતાની સેવાની જરૂર હોય તો આપવા કહ્યું. મેં ઉપકાર માન્યો ને જરૂર પડ્યે સેવા લેવા નહીં ભૂલું એમ જણાવ્યું.

પલવલ સ્ટેશન આવે તે પહેલાં પોલીસ અમલદારે મારા હાથમાં હુકમ મૂક્યો. ’તમારા પંજાબમાં પ્રવેશ કરવાથી અશાંતિ વધવાનો ભય છે, તેથી તમારે પંજાબની સરહદમાં દાખલ ન થવું,’ આવી જાતનો હુકમ હતો. હુકમ આપી મને ઊતરી જવા પોલીસે કહ્યું. મેં ઊતરવાની ના પાડી ને કહ્યું: ’હું અશાંતિ વધારવા નહીં પણ આમંત્રણ મળવાથી અશાંતિ ઘટાડવા જવા માગું છું, એટલે હું દિલગીર છું કે, આ હુકમને મારાથી માન નહીં આપી શકાય.’

પલવલ આવ્યું. મહાદેવ મારી સાથે હતા. તેમને દિલ્હી જઈ શ્રધ્ધાનંદજીને ખબર આપવા ને લોકોને શાંત રાખવાનું કહ્યું. હુકમનો અનાદર કરી જે સજા હશે તે વહોરી લેવાનો નિશ્ચય કર્યો છે એમ કહે, અને સજા થતાં છતાં લોકોના શાંત રહેવામાં જ આપણી જીત છે એમ સમજાવે, એમ મહાદેવને કહ્યું.

પલવલ સ્ટેશન ઉપર મને ઉતારી લીધો ને પોલીસને હવાલે કર્યો. દિલ્હીથી આવતી કોઈ ટ્રેનના ત્રીજા વર્ગના ડબ્બામાં મને બેસાર્યો, સાથે પોલીસની પાર્ટી બેઠી. મથુરા પહોંચતાં મને પોલીસ બેંરેકમાં લઈ ગયા. મારું શું થશે ને ક્યાં લઈ જવાનો છે એ કંઈ અમલદાર મને કહી ન શક્યો. સવારના ચાર વાગ્યે મને ઉઠાડ્યો ને માલની ગાડી મુંબઈ તરફ જતી હતી તેમાં મને લઈ ગયા. બપોરના સવાઈમાધુપુર ઉતારી મૂક્યો. ત્યાં મુંબઈની મેલ ટ્રેનમાં લાહોરથી ઈન્સ્પેકટર બોરિંગ આવ્યા. તેમણે મારો કબજો લીધો.

હવે મને પહેલા વર્ગમાં ચડાવ્યો. સાથે સાહેબ બેઠા. અત્યાર લગી હું સામાન્ય કેદી હતો, હવે ’જેન્ટલમેન કેદી’ ગણાવા લાગ્યો. સાહેબે સર