પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માઈકલ ઓડવાયરનાં વખાણ શરૂ કર્યા. તેમને મારી સામે તો કંઈ જ નથી, પણ મારા પંજાબમાં જવાથી તેમને અશાંતિનો પૂરો ભય છે વગેરે કહી, મારી મેળે પાછા જવા ને ફરી પંજાબની સરહદ ન ઓળંગવા વીનવ્યો. મેં તેમને કહી દીધું કે, મારાથી હુકમનો અમલ નહીં થઈ શકે ને સ્વેચ્છાએ હું પાછો જવા તૈયાર નથી. એટલે સાહેબે લાચારીથી કાયદાનો અમલ કરવાની વાત કરી. ’પણ મારું શું કરવા ધારો છો એ કહેશો ?’ મેં પૂછ્યું તો કહે, ’મને ખબર નથી. મને બીજા હુકમ મળવા જોઈએ. હમણાં તો તમને હું મુંબઈ લઈ જાઉં છું.’

સુરત આવ્યા એટલે કોઈ બીજા અમલદારે મારો કબજો લીધો. રસ્તામાં મને કહ્યું: ’તમે છૂટા છો, પણ તમારે સારુ મરીન લાઈન્સ સ્ટેશન પાસે ગાડી થોભાવીશ ને તમે ત્યાં ઊતરો તો વધારે સારું. કોલાબા ઉપર વધારે ભીડ થવાનો સંભવ છે.’ મેં તેને અનુકૂળ થવા ખુશી બતાવી. તે રાજી થયો ને ઉપકાર માન્યો. મરીન લાઈન્સ ઊતર્યો. ત્યાં કોઈ ઓળખીતાની ઘોડાગાડી જોઈ. તે મને એવાશંકર ઝવેરીને ઘેર મૂકી ગયા. તેમણે મને ખબર આપ્યા : ’તમારા પકડાવાના ખબર મળવાથી લોકો ગુસ્સામાં આવી ગયા છે ને ગાંડા જેવા બની ગયા છે. પાયધૂની પાસે હુલ્લડનો ભય છે. મેજિસ્ટ્રેટ અને પોલીસ ત્યાં પહોંચી ગયા છે.’

હું ઘેર પહોંચ્યો તેવામાં ઉંમર સોબાની અને અનસૂયાબહેન મોટરમાં આવ્યાં ને મને પાયધૂની લઈ જવા કહ્યું : ’લોકો અધીરા થઈ ગયા છે ને ઉશ્કેરાયા છે. અમારા કોઈથી શાંત રહે તેમ નથી. તમને જોશે તો જ શાંત થશે.’

હું મોટરમાં બેસી ગયો. પાયધૂની પહોંચતાં જ રસ્તામાં મોટી મેદની જોવામાં આવી. લોકો મને જોઈને હર્ષઘેલા થયા. હવે સરઘસ બન્યું. ’વન્દેમાતરમ’ ’અલ્લાહો અકબર’ના અવાજથી આકાશ ચિરાયું. પાયાધૂની ઉપર ઘોડેસવારોને જોયા. ઉપરથી ઈંટોના વરસાદ વરસતા હતા. હું લોકોને શાંત થવા હાથ જોડીને વીનવતો હતો. પણ અમે પણ આ ઈંટના વરસાદમાંથી બચીએ એમ ન લાગ્યું.

અબ્દુર રહેમાન ગલીમાંથી ક્રોફર્ડ મારકેટ તરફ જતા સરઘસને અટકાવવા સારુ ઘોડેસવારોની ટુકડી સામેથી આવી પહોંચી. સરઘસને કોટ તરફ જતું અટકાવવા તેઓ મથતા હતા. લોકો માતા નહોતા.