પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લોકોએ પોલીસની લાઈનને ચીરીને આગળ ઘસારો કર્યો. મારો અવાજ સંભળાય તેમ નહોતું. આ ઉપરથી ઘોડેસવારની ટુકડીના ઉપરીએ ટોળાને વિખેરવાનો હુકમ કર્યો, ને ભાલા ઉગામતી આ ટુકડીએ એકદમ ઘોડાને છોડી મૂક્યા. તેમાંનું ભાલું અમારો પણ નિકાલ કરે તો નવાઈ નહીં એવો મને ભય લાગ્યો. પણ એ ભયમાં વજૂદ નહોતું. પડખે થઈને બધાં ભાલાં રેલગાડી વેગે સરી જતાં હતાં. લોકોના ટોળામાં ભંગાણ પડ્યું. દોડદોડ મચી. કોઈ કચરાયા, કોઈ ઘવાયા. ઘોડેસવારને નીકળવા સારુ મારગ નહોતો. લોકોને આસપાસ વીખરાવાનો મારગ નહોતો. તેઓ પાછા ફરે તોયે પાછળ હજારો ચસોચસ ભરાયા હતા. બધો દેખાવ ભયંકર લાગ્યો. ઘોડેસવારો અને લોકો બંને ગાંડા જેવા લાગ્યા. ઘોડેસવારો કંઈ જોતા કે જોઈ શક્તા નહોતા. તેઓ તો વાંકા વળી ઘોડાને દોડાવી રહ્યા હતા. જેટલી ક્ષણ આ હજારોનાં ટોળાંને ચીરવામાં ગઈ તેટલી ક્ષણ લગી તેઓ કંઈ દેખી જ ન શકે એમ મેં જોયું.

લોકોને આમ વિખેર્યા ને રોક્યા. અમારી મોટરને આગળ જવા દીધી. મેં કમિશનરની ઓફિસ આગળ મોટર રોકાવી ને હું તેની પાસે પોલીસની વર્તણૂકને સારુ ફરિયાદ કરવા ઊતર્યો.

૩૨. એ સપ્તાહ !—૨

કમિશનર ગ્રિફિથ સાહેબની ઓફિસે ગયો. તેમના દાદરની પાસે જ્યાં જોઉં ત્યાં હથિયારબંધ સોલ્જરો બેઠા હતા, કેમ જાણે લડાઈને સારુ તૈયાર થઈ રહ્યા હોય નહીં ! વરંડામાં પણ ધાંધલ મચી રહી હતી. હું ખબર આપી ઓફિસમાં પેઠો તો કમિશનરની પાસે મિ. બોરિંગને બેઠેલા જોયા. કમિશનરની પાસે મેં જોયેલું દ્રશ્ય વર્ણવ્યું. તેમણે ટૂંકામાં જવાબ આપ્યો : ’મારે સરઘસને ફોર્ટ તરફ જવા નહોતું દેવું. ત્યાં જાય તો તોફાન થયા વિના ન રહે. અને મેં જોયું કે લોકો વાળ્યા વળે એમ નહોતા. એટલે ઘસારો કર્યા વિના છૂટકો નહોતો.’

’પણ તેનું પરિણામ તો તમે જાણતા હતા. લોકો ઘોડાની નીચે છૂંદાયા વિના ન રહે. ઘોડેસવારની ટુકડી મોકલવાની જરૂર જ નહોતી એમ મને તો લાગે છે,’ હું બોલ્યો.