પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

‘એની તમને ખબર ન પડે. લોકોની ઉપર તમારા શિક્ષણની અસર કેવી થઈ છે તેની ખબર અમને પોલીસને તમારા કરતાં વધારે પડે. અમે પહેલેથી સખત ઉપાયો ન લઈએ તો વધારે નુકસાન થાય. હું તમને કહું છું કે, લોકો તમારા કબજામાં પણ રહેવાના નથી. કાયદાના ભંગની વાત તેઓ ઝટ સમજશે, શાંતિની વાત તેમના ગજા ઉપરાંત છે. તમારા હેતુ સારા છે, પણ તમારા હેતુ લોકો નહીં સમજે. તેઓ તો પોતાના સ્વભાવને અનુસરશે,’ સાહેબ બોલ્યા.

‘પણ તમારી અને મારી વચ્ચે ભેદ જ અહીં છે. લોકો સ્વભાવે લડાક નથી, પણ શાંતિપ્રિય છે,’ મે ઉત્તર દીધો.

અમે દલીલમાં ઊતર્યા.

છેવટે સાહેબ બોલ્યા, ‘વારુ, ત્યારે જો લોકો તમારું શિક્ષણ નથી સમજ્યા એની તમને ખાતરી થાય તો તમે શું કરો ?’

મેં જવાબ દીધો, ‘જો એવું મને સિધ્ધ થાય તો આ લડત હું મુલતવી રાખું.’

‘મુલતવી રાખો એટલે શું ? તમે તો મિ. બોરિંગને કહ્યું છે કે, તમે છૂટા થાઓ એટલે તુરત પાછા પંજાબ જવા માગો છો !’

‘હા, મારો ઈરાદો તો વળતી ટ્રેને જ પાછા જવાનો હતો. તે હવે આજ તો ન જ બને.’

‘તમે ધીરા રહેશો તો તમને વધારે ખબર પડી રહેશે. તમે જાણો છો કે, અમદાવાદમાં શું ચાલી રહ્યું છે ? અમૃતસરમાં શું છે ? લોકો બધે ગાંડા જેવા થઈ ગયા છે. મને પૂરી ખબર નથી. કેટલીક જગ્યાએ તાર પણ તૂટ્યા છે. હું તો તમને કહું છું કે, આ બધાં તોફાનની જવાબદારી તમારે શિર છે.’

હું બોલ્યો, ‘મારી જવાબદારી જ્યાં હશે ત્યાં હું ઓઢ્યા વિના નહીં રહું. અમદાવાદમાં લોકો કંઈ પણ કરે તો મને આશ્ચર્ય અને દુ:ખ થાય. અમૃતસરનું હું કંઈ ન જાણું. ત્યાં તો હું કદી ગયો જ નથી, મને કોઈ જાણતુંયે નથી. પણ હું એટલું જાણું છું કે, પંજાબની સરકારે મને ત્યાં જતો ન રોક્યો હોત તો હું શાંતિ જાળવવામાં મોટો હિસ્સો લઈ શકત. મને રોકીને તો સરકારે લોકોને છંછેડ્યા છે.’