પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આશા રાખતો હતો, તેમણે હુલ્લડમાં ભાગ લીધો એ મને અસહ્ય લાગ્યું, ને એમના દોષમાં મને મેં ભાગીદાર ગણ્યો.

જેમ લોકોને પોતાના ગુના ક્બૂલ કરવાનું સૂચવ્યું તેમ સરકારને ગુના માફ કરવાનું પણ સૂચવ્યું. મારી વાત બેમાંથી એકેયે ન સાંભળી, ન લોકોએ ગુના કબૂલ કર્યા, ન સરકારે માફ કર્યા.

સ્વ. રમણભાઈ વગેરે શહેરીઓ મારી પાસે આવ્યા ને સત્યાગ્રહ મુલતવી રાખવા મને વીનવ્યો. મને વીનવવાપણું રહ્યું નહોતું. જયાં લગી શાંતિનો પાઠ લોકો ન શીખી લે ત્યાં સુધી સત્યાગ્રહ મુલતવી રાખવાનો નિશ્ચય મેં કરી જ લીધો હતો. આથી તેઓ રાજી થયા.

કેટલાક મિત્રો નારાજ પણ થયા. તેમને લાગ્યું કે, જો હું બધેય શાંતિની આશા રાખું ને એ સત્યાગ્રહની શરત હોય, તો મોટા પાયા ઉપર સત્યાગ્રહ કદી ચાલી જ ન શકે. મેં મારો મતભેદ જણાવ્યો. જે લોકોમાં કામ કર્યુ હોય, જેમની મારફતે સત્યાગ્રહ કરવાની આશા રખાતી હોય, તેઓ જો શાંતિ ન જાળવે તો જરૂર સત્યાગ્રહ ન જ ચાલે. આટલી મર્યાદિત શાંતિ જાળવવાની શક્તિ સત્યાગ્રહી નેતાઓએ મેળવવી જોઈએ એવી મારી દલીલ હતી. આ વિચારોને આજે પણ ફેરવી નથી શક્યો.

૩૩. 'પહાડ જેવડી ભૂલ'

અમદાવાદની સભા પછી તરત હું નડિયાદ ગયો. ’પહાડ જેવડી ભૂલ’ નામે શબ્દપ્રયોગ જે પ્રસિધ્ધિ પામ્યો છે તે મેં પહેલો નડિયાદમાં કર્યો. અમદાવાદમાં જ મને મારી ભૂલ જણાવા લાગી હતી. પણ નડિયાદમાં ત્યાંની સ્થિતિનો વિચાર કરતાં, ખેડા જિલ્લાના ઘણાય માણસોને પકડાયેલાં સાંભળતાં, જે સભામાં હું થયેલા બનાવો ઉપર ભાષણ કરી રહ્યો હતો, ત્યાં મને એકાએક થઈ આવ્યું કે, ખેડા જિલ્લાના અને એવા બીજા લોકોને કાયદાનો સવિનય ભંગ કરવા નોતરવામાં મેં ઉતાવળ કરવાની ભૂલ કરી હતી, અને તે મને પહાડ જેવડી જણાઈ.

આવી કબૂલાત મેં કરી તેથી મારી હાંસી સારી પેઠે થઈ. છતાં એ સ્વીકાર કરવાને સારુ મને પશ્ચાત્તાપ કદી નથી થયો. મેં હમેશાં એમ માન્યું છે કે, બીજાના ગજ જેવડા દોષોને આપણે રજ જેવડા કરી જોઈએ