પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મજકૂર આદર્શ સ્થિતિને હજારો કે લાખો કે લાખો લોકો ન પહોંચી શકે એ તો સહેજે સમજાય. પણ જો એમ હોય તો સવિનય ભંગ કરાવતા પહેલાં લોકોને સમજૂતી આપનારા અને તેમને પ્રતિક્ષણ દોરનારા શુધ્ધ સ્વયંસેવકોનું દળ પેદા થવું જોઈએ, ને આવા દળને સવિનય ભંગની ને તેની મર્યાદાની સમજ પૂરેપૂરી પડેલી હોવી જોઈએ.

આવા વિચારો ભર્યો હું મુંબઈ પહોંચ્યો ને સત્યાગ્રહ સભા મારફતે સત્યાગ્રહી સ્વયંસેવકોનું દળ ઊભું કર્યુ. તેની મારફતે લોકોમાં સવિનય ભંગની સમજ આપવાની તાલીમનો આરંભ કર્યો, ને સમજ આપનારી પત્રિકાઓ કાઢી.

આ કામ ચાલ્યું તો ખરું, પણ મેં જોયું કે તેમાં હું બહુ રસ પેદા ન કરી શક્યો. સ્વયંસેવકોનો દરોડો ન પડ્યો. જે ભરતીમાં આવ્યા તેમણે બધાએ નિયમિત તાલીમ લીધી એમ ન કહી શકાય. ભરતીમાં નામ નોંધાવનાર પણ, દિવસો જવા માંડ્યા તેમ, દ્દઢ બનવાને બદલે ખરવા માંડ્યા. હું સમજ્યો કે સવિનય ભંગનું ગાડું ધાર્યા કરતાં ધીમું ચાલશે.

૩૪. નવજીવન ને યંગ ઈંડિયા

ગમે તેવી ધીમી તો પણ શાંતિ જાળવનારી હિલચાલ એક તરફથી થઈ રહી હતી, ત્યારે બીજી તરફથી સરકારની દમનનીતિ પુરજોરમાં ચાલી રહી હતી. પંજાબમાં તેની અસરનો સાક્ષાત્કાર થયો. ત્યાં લશ્કરી કાયદો એટલે જોહુકમી શરૂ થઈ. આગેવાનોને પકડ્યા. ખાસ અદાલતો તે અદાલતો નહોતી, પણ એક સૂબાનો હુકમ ઉઠાવનારી વસ્તુ થઈ હતી. તેણે પુરાવા પ્રમાણ વિના સજાઓ કરી. લશ્કરી સિપાહીઓએ નિર્દોષ લોકોને કીડાની જેમ પેટે ચલાવ્યા. આની આગળ જલિયાંવાલા બાગની ઘોર કતલ તો મારી આગળ કંઈ વિસાતની નહોતી, જો કે પ્રજાનું અને દુનિયાનું ધ્યાન તો એ કતલે જ ખેંચ્યું.

પંજાબમાં ગમે તેમ કરીને પ્રવેશ કરવાનું મારી ઉપર દબાણ થયું. મેં વાઇસરૉયને કાગળો લખ્યા, તાર કર્યા, પણ પરવાનગી ન મળે. પરવાનગી વિના જાઉં એટલે અંદર તો જવાય નહીં, પણ માત્ર સવિનય ભંગ કર્યાનો સંતોષ મળે. આ ધર્મસંકટમાં મારે શું કરવું એ વિકટ પ્રશ્ન મારી