પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજી તરફથી માલવીયજીના પણ તાર આવી રહ્યા હતા કે, મારે પંજાબ પહોંચવું જોઈએ. આ ઉપરથી મેં ફરી વાઇસરૉયને તાર કર્યો. જવાબ આવ્યો : ફલાણી તારીખે તમો જઇ શકો છો. મને તારીખ બરાબર યાદ નથી, પણ ઘણું કરીને ૧૭મી ઑકટોબર હતી.

હું લાહોર પહોંચ્યો ત્યારે મેં જે દૃશ્ય જોયું તે કદી ભુલાય તેમ નહોતું. કેમ જાણે ઘણાં વર્ષોના વિયોગ પછી કોઈ પ્રિયજન આવતો હોય ને તેને મળવાને સગાં આવતાં હોય, તેમ સ્ટેશન ઉપર માણસોની મેદની ભરાઈ ગઈ હતી. લોકો હર્ષઘેલા થઈ ગયા હતા.

પંડિત રામભજદત્ત ચોધરીને ત્યાં મારો ઉતારો હતો. શ્રી સરલાદેવી ચોધરાણી જેમને હું પૂર્વે ઓળખતો હતો તેમની ઉપર મને સંઘરવાનો બોજો આવી પડયો હતો. હું 'સંઘરવો' શબ્દ ઈરાદાપૂર્વક વાપરું છું, કેમ કે હાલની જેમ ત્યારે પણ જ્યાં હું ઊતરું ત્યાં ઘરધણીનું ઘર ધર્મશાળા જેવું થઈ પડતું હતું.

પંજાબમાં મેં જોયું કે, ઘણા પંજાબી નેતાઓ જેલમાં હોવાથી મુખ્ય નેતાઓની જગ્યા પંડિત માલવીયજી, પંડિત મોતીલાલજી ને સ્વ. સ્વામી શ્રદ્ધાનંદજીએ લીધી હતી. માલવીયજી અને શ્રદ્ધાનંદજીના પ્રસંગમાં તો હું સારી પેઠે આવી ચુકયો હતો. પણ પંડીત મોતીલાલના નિકટ પ્રસંગમાં તો લાહોરમાં જ આવ્યો. આ નેતાઓ તેમ જ બીજા સ્થાનિક નેતાઓ જેમને જેલનું માન નહોતું મળ્યું તેમણે મને તુરત પોતાનો કરી મૂકયો. હું કયાંયે અજાણ્યા જેવો ન લાગ્યો.

હંટર કમિટીની પાસે પુરાવો ન દેવાનો નિશ્વય અમે બધાએ એકમતે કર્યો. એનાં કારણો બધાં તે વેળા પ્રગટ થયેલાં હતાં, એટલે એમાં અહીં ઊતરતો નથી. એ કારણો સબળ હતાં ને કમિટીનો બહિષ્કાર યોગ્ય હતો એમ આજે પણ મને લાગે છે.

પણ જો કમિટીનો બહિષ્કાર થાય તો લોકો તરફથી એટલે મહાસભા તરફથી એક કમિટી હોવી જોઇએ એમ નિશ્ચય થયો. તેમાં પંડિત મોતીલાલ નેહરુ, સ્વ. ચિત્તરંજન દાસ, શ્રી અબ્બાસ તૈયબજી, શ્રી જયકર અને મને પંડિત માલવીયજીએ આ કમિટી ઉપર નીમ્યા. અમે જુદે જુદે ઠેકાણે તપાસ કરવા વીખરાઈ ગયા. આ કમિટીની વ્યવસ્થાનો બોજો