પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૬. ખિલાફત બદલે ગોરક્ષા ?

પંજાબના હત્યાકાંડને થોડો વખત હવે છોડીએ.

પંજાબની ડાયરશાહીની મહાસભા તરફથી તપાસ ચાલતી હતી, તેટલામાં મારા હાથમાં એક જાહેર આમંત્રણ આવ્યું. તેમાં મરહૂમ હકીમ સાહેબ અને ભાઈ અસરફઅલીનાં નામ હતાં. શ્રદ્ધાનંદજી હાજર રહેવાના છે એમ પણ ઉલ્લેખ હતો. મને ખ્યાલ તો એવો રહ્યો છે કે, તેઓ ઉપપ્રમુખ હતા. આ આમંત્રણ દિલ્હીમાં ખિલાફત સંબંધી ઉપસ્થિત થયેલી પરિસ્થિતિનો વિચાર કરનારી અને સુલેહની ઉજવણીમાં ભાગ લેવો કે ન લેવો તેનો નિર્ણય કરવાને હિંદુમુસલમાનની એકઠી થનારી સભામાં હાજર રહેવાનું હતું. આ સભા નવેમ્બર માસમાં હતી એવું મને સ્મરણ છે.

આ નિમંત્રણપત્રિકામાં એવો ઉલ્લેખ હતો કે, તેમાં ખિલાફતનો પ્રશ્ન ચર્ચાશે, એટલું જ નહીં પણ ગોરક્ષાનો પ્રશ્ન પણ ચર્ચાશે, ને ગોરક્ષા સાધવાનો આ સરસ અવસર છે. મને આ વાક્ય કઠ્યું. આ નિમંત્રણપત્રિકાનો ઉત્તર આપતાં મેં હાજર રહેવાનો પ્રયત્ન કરવાનું લખ્યું, ને સાથે જ લખ્યું કે, ખિલાફત અને ગોરક્ષાને સાથે ભેળવી તેને અરસપરસ અદલાબદલાનો સવાલ ન કરી મૂકતાં દરેકને તેના ગુણદોષ ઉપર તપાસવો જોઈએ.

સભામાં હું હાજર રહ્યો. સભામાં ઠીક હાજરી હતી. પાછળથી જેમ હજારો માણસો ઊભરાતાં એના જેવું દૃશ્ય આ નહોતું. આ સભામાં શ્રદ્ધાનંદજી હાજર હતા. તેમની સાથે ઉપરના વિષય ઉપર મેં વાતચીત કરી લીધી. તેમને મારી દલીલ ગમી, ને રજૂ કરવાનું તેમણે મારી ઉપર મૂક્યું. હકીમસાહેબની સાથે પણ વાત કરી લીધી હતી. મારી દલીલ એ હતી કે બંને પ્રશ્નોને પોતપોતાના ગુણદોષ ઉપર વિચારવા જોઈએ. જો ખિલાફતના પ્રશ્નમાં વજૂદ હોય, તેમાં સરકાર તરફથી ગેરઈન્સાફ થતો હોય, તો હિંદુઓએ મુસલમાનોને સાથ દેવો જોઈએ; અને એની સાથે ગોરક્ષાને જોડી દેવાય નહીં. અને જો હિંદુઓ એવી કંઈ શરત કરે તો તે ન શોભે. મુસલમાનો ખિલાફતમાં મળતી મદદને બદલે ગોવધ બંધ કરે એ તેમને ન શોભે. પડોશી અને એક જ ભૂમિના