પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊંડી અસર પડી એમ મેં જોયું. હસરત મોહાનીની દલીલો સાંભળતાં લોકો એવા હર્ષનાદ કરતા હતા કે મને લાગ્યું કે, આમાં મારી તૂતીનો અવાજ કોઈ નહીં સાંભળે. પણ મારે મારો ધર્મ ન ચૂકવો, ન સંતાડવો જોઈએ, એમ સમજી હું બોલવા ઊઠ્યો. લોકોએ મારું ભાષણ ખૂબ ધ્યાનથી સાંભળ્યું. પ્લૅટફોર્મ ઉપર તો મને સંપૂર્ણ ટેકો મળ્યો, ને મારા ટેકામાં એક પછી એક ભાષણો થવા લાગ્યાં. આગેવાનો જોઈ શક્યા કે બ્રિટિશ માલના બહિષ્કારના ઠરાવથી એક પણ અર્થ સરે તેમ નહોતો, હાંસી પુષ્કળ થાય તેમ હતી. આખી મિજલસમાં ભાગ્યે કોઈ એવો માણસ જોવામાં આવે તેમ હતું કે જેના શરીર ઉપર કંઈક બ્રિટિશ વસ્તુ ન હોય. જે વસ્તુ સભામાં હાજર રહેલા લોકો પણ કરવા અસમર્થ હતા તે વસ્તુ કરવાના ઠરાવમાં લાભને બદલે હાનિ જ થાય એટલું ઘણા જોઈ શક્યા.

'અમને તમારા વિદેશી વસ્ત્રના બહિષ્કારથી સંતોષ થાય એમ જ નથી. ક્યારે આપણે જોઈતું કાપડ પેદા કરી શકીએ, ને ક્યારે વિદેશી વસ્ત્રનો બહિષ્કાર થાય? અમારે તો બ્રિટિશ લોકો ઉપર તાત્કાલિક અસર થાય એવું કંઈક જોઈએ. તમારો બહિષ્કાર ભલે રહે, પણ એથી વધારે જલદ વસ્તુ તમારે બતાવવી જોઈએ.' આમ મૌલાના પોતાના ભાષણમાં બોલ્યા. આ ભાષણ હું સાંભળી રહ્યો હતો. વિદેશી વસ્ત્રના બહિષ્કાર ઉપરાંત કંઈક બીજું ને નવું બતાવવું જોઈએ એમ મને લાગ્યું. વિદેશી વસ્ત્રનો બહિષ્કાર તુરત ન થઈ શકે એમ મને તે વખતે તો સ્પષ્ટ હતું. ખાદી સંપૂર્ણ ઉત્પન્ન કરવાની આપણી શક્તિ ઈચ્છીએ તો આપણામાં છે એમ જે હું પાછળથી જોઈ શક્યો, તે હું એ વેળા નહોતો જાણતો. એકલી મિલ તો દગો દે એ મને ત્યારે પણ ખબર હતી. મૌલાના સાહેબે પોતાનું ભાષણ પૂરું કર્યું ત્યારે હું જવાબ દેવા તૈયાર થઈ રહ્યો હતો.

મને ઉર્દૂ હિંદી શબ્દ તો હાથ ન લાગ્યો. આવા ખાસ મુસલમાનોના જલસામાં દલીલોવાળાં ભાષણ કરવાનો આ મારો પહેલો અનુભવ હતો. કલકત્તામાં મુસ્લિમ લીગમાં હું બોલ્યો હતો તે થોડી મિનિટનું ને હ્રદયસ્પર્શ કરનારું જ ભાષણ હતું. પણ અહીં મારે વિરુદ્ધ મતવાળી સમાજને સમજાવવાનું હતું. પણ મેં શરમ છોડી હતી. દિલ્હીના મુસલમાનોની પાસે મારે શુદ્ધ ઉર્દૂમાં છટાદાર ભાષણ નહોતું કરવાનું, પણ મારા કહેવાની