પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વડીલોના આશીર્વાદ લઈ મુંબઈ જવા નીકળ્યો. મુંબઈની આ પહેલવેલી મુસાફરી હતી. વડીલ ભાઈ સાથે આવ્યા.

પણ સારા કામમા સો વિધ્ન હોય. મુંબઈનું બારું ઝટ છૂટે તેમ નહોતું.

૧૨. નાતબહાર

માતાની આજ્ઞા અને તેના આશીર્વાદ લઈ, થોડા માસનું બાળક સ્ત્રીની સાથે મેલી હું હોંશે હોંશે મુંબઈ પહોંચ્યો. પહોંચ્યો તો ખરો, પણ ત્યાં મિત્રોએ ભાઈને કહ્યું કે, જૂન-જુલાઈમાં હિંદી મહાસાગરમાં તોફાન હોય છે ને મારી આ પહેલી જ દરિયાની સફર હોવાથી મને દિવાળી બાદ એટલે કે નવેમ્બર માસમાં મોકલવો જોઈએ. વળી કોઈએ તોફાનમાં કોઈક આગબોટ ડૂબી જવાની વાત પણ કરેલી. આથી મોટા ભાઈ અકળાયા. તેમણે એમ જોખમ ખેડીને મને તુરત મોકલવાની ના પાડી અને મને મુંબઈમાં મિત્રને ત્યાં મૂકી પોતે પાછા પોતાની નોકરીએ ચડવા રાજકોટ ગયા. એક બનેવી પાસે પૈસા મૂકતા ગયા ને મને મદદ કરવાની કેટલાક મિત્રોને ભલામણ કરતા ગયા.

મુંબઈમાં મારા દિવસો લાંબા થઈ પડ્યા. મને વિલાયતનાં જ સ્વપ્નાં આવે.

દરમ્યાન ન્યાતમાં ખળભળાટ ઊઠ્યો. નાત બોલાવવામાં આવી. મોઢ વાણિયો કોઈ હજુ સુધી વિલાયત નહોતો ગયો, અને હું જાઉં તો મારી હાજરી લેવાવી જોઈએ! મને નાતની વાડીમાં હાજર રહેવા ફરમાવવામાં આવ્યું. હું ગયો. મને ખબર નથી કે મને એકાએક હિંમત ક્યાંથી આવી. મને હાજર રહેતાં ન સંકોચ થયો, ન ડર લાગ્યો. નાતના શેઠની સાથે કંઈક છેટેની સગાઈ પણ હતી. પિતાની સાથે તેમનો સંબંધ સારો હતો. તેમણે મને કહ્યું:

'નાત ધારે છે કે તેં વિલાયત જવાનો વિચાર કર્યો છે તે બરોબર નથી. આપણા ધર્મમાં દરિયો ઓળંગવાની મનાઈ છે. વળી વિલાયતમાં ધર્મ ન સચવાય એવું અમે સાંભળીએ છીએ. ત્યાં સાહેબ લોકોની સાથે ખાવુંપીવું પડે છે.'

મેં જવાબ આપ્યો, 'મને તો લાગે છે કે વિલાયત જવામાં મુદ્દલ