પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ ઠરાવ શું હતો એમાં ઊતરવાની અહીં જરૂર નથી. એઠરાવ કેમ થયો એટલું જ એને અંગે બતાવવું આ પ્રયોગોનો વિષય છે. સ્માધાનીએ મારી જવાબદારી વધારી.

૩૮. મહાસભામાં પ્રવેશ

મહાસભામાં મારે ભાગ લેવો પડ્યો એને હું મારો મહાસભામાં પ્રવેશ નથી માનતો. તેના પહેલાંની મહાસભાની બેઠકોમાં હું ગયો તે માત્ર વફાદારીની નિશાની દાખલ. નાનામાં નાના સિપાહીના કામ સિવાય મારું ત્યાં બીજું કંઈ કાર્ય હોય એવો બીજી આગલી સભાઓને વિષે મને આભાસ નથી આવ્યો, નથી ઈચ્છા થઈ.

અમૃતસરના અનુભવે બતાવ્યું કે, મારી એક શક્તિનો ઉપયોગ મહાસભાને છે. પંજાબ સમિતિના કામથી લોકમાન્ય, માલવીયાજી, મોતીલાલજી, દેશબંધુ વગેરે રાજી થયા હતા એ હું જોઈ શક્યો હતો. તેથી મને તેમણે પોતાની બેઠકો ને મસલતોમાં બોલાવ્યો. એટલું તો મેં જોયું હતું કે, વિષયવિચારિણી સમિતિનું ખરું કામ એવી બેઠકોમાં થતું હતું. અને એવી મસલતોમાં નેતાઓ જેમની ઉપર ખાસ વિશ્વાસ કે આધાર રાખતા હોય તેઓ હતા ને બીજા ગમે તે નિમિત્તે ઘૂસી જનારા.

આગામી વર્ષને સારુ કરવાનાં બે કામોમાં મને રસ હતો, કેમ કે તેમાં મારી ચાંચ બૂડતી હતી.

એક હતું જલિયાંવાલા બાગની કતલનું સ્મારક. એને વિષે ઘણા દમામની સાથે મહાસભાએ પ્રસ્તાવ પસાર કર્યો હતો. તેને સારુ પાંચેક લાખ રૂપિયાની રકમ ઉઘરાવવાની હતી. તેમાં રક્ષકોમાં મારું નામ હતું. દેશમાં પ્રજાકાર્યને સારુ ભિક્ષા માગવાની ભારે શક્તિ ધરાવનારાઓમાં પ્રથમ પદ માલવીયાજીનું હતું, ને છે. હું જાણતો હતો કે, મારો દરજ્જો તેમનાથી બહુ દૂર નહીં આવે. મારી એ શક્તિ મેં દક્ષિણ આફ્રિકામાં ભાળી લીધી હતી. રાજામહારાજાઓની પાસેથી જાદુ કરી લાખો મેળવવાની શક્તિ મારી પાસે નહોતી, આજે નથી. એમાં માલવીયાજીની સાથે હરીફાઈ કરનાર મેં કોઈને જોયો જ નથી. જલિયાંવાલા બાગના કામમાં તેમની પાસેથી દ્રવ્ય મગાય નહીં એમ હું જાણતો હતો. એટલે આ સ્મારકને સારુ પૈસા ઉઘરાવવાનો મુખ્ય બોજો મારી ઉપર પડશે એમ હું રક્ષકનું પદ સ્વીકારતી વેળા સમજી ગયો હતો. થયું પણ એમ જ, એ સ્મારકને