પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રતિનિધિઓની માગણી કરી. તે પોતે નિરાંતે બેસી બંધારણ ઘડવાનું કામ ન કરી શકે એમ હું સમજતો હતો. તેથી લોકમાન્યની પાસેથી ને દેશબંધુની પાસેથી તેમના વિશ્વાસનાં બે નામો માગ્યાં. આ ઉપરાંત બીજો કોઈ પણ બંધારણ સમિતિમાં ન જોઈએ એમ મેં સૂચવ્યું. એ સૂચના કબૂલ રહી. લોકમાન્યે શ્રી કેળકરનું અને દેશબંધુએ શ્રી આઈ.બી. સેનનું એમ નામ આપ્યાં. આ બંધારણ સમિતિ સાથે મળીને એક દિવસ પણ ન બેઠી, છતાં અમે અમારું કામ એકમતે ઉકેલ્યું. પત્રવ્યવહારથી અમારું કામ ચલાવી લીધું. એ બંધારણને વિષે મને કંઈક અભિમાન છે. હું માનું છું કે, એને અનુસરીને કામ લઈ શકાય તો આજે આપણો બેડો પાર થાય. એ તો થાય ત્યારે ખરો. પણ એ જવાબદારી લઈને મેં મહાસભામાં ખરો પ્રવેશ કર્યો એવી મારી માન્યતા છે.

૩૯. ખાદીનો જન્મ

સન ૧૯૦૮ સુધીમાં રેંટિયો કે સાળ મેં જોયાં હોય એવું મને સ્મરણ નથી. છતાં 'હિંદ સ્વરાજ'માં રેંટિયાની મારફતે હિંન્દુસ્તાનની કંગાલિયત મટે એમ મેં માન્યું. ને જે રસ્તે ભૂખમરો ભાગે તે રસ્તે સ્વરાજ મળે એ તો સહુ સમજી શકે એવી વાત ગણાય. સન ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી દેશમાં આવ્યો ત્યારે પણ મેં રેંટિયાનાં દર્શન તો ન જ કર્યાં. આશ્રમ ખોલ્યું એટલે સાળ વસાવી. સાળ વસાવતાં પણ મને બહુ મુશ્કેલી આવી. અમે બધાં કલમ ચલાવનાર કે વેપાર કરી જાણનાર ભેળા થયા હતા; કોઈ કારીગર નહોતા.એટલે સાળ મેળવ્યા પછી વણાટકામ શીખવનારની જરૂર હતી. કાઠિયાવાડ અને પાલણપુરથી સાળ મળી ને એક શીખવનાર આવ્યો. તેણે પોતાનો બધો કસબ ન બતાવ્યો. પણ મગનલાલ ગાંધી લીધેલું કામ ઝટ છોડે તેવા નહોતા. તેમના હાથમાં કારીગરી તો હતી જ, એટલે તેમણે વણવાના હુન્નરને પૂરો જાણી લીધો, ને એક પછી એક એમ આશ્રમમાં નવા વણકરો તૈયાર થયા.

અમારે તો અમારાં કપડાં તૈયાર કરીને પહેરવાં હતા. તેથી મિલનાં કપડા પહેરવાનું હવે બંધ કર્યું, ને હાથસાળમાં દેશી મિલના સૂતરમાંથી