પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વણાયેલું કાપડ પહેરવાનો આશ્રમવાસીઓએ ઠરાવ કર્યો. આમ કરવામાં અમને ઘણું શીખવાનું મળ્યું. હિંન્દુસ્તાનના વણકરોનાં જીવનની,તેમની પેદાશની, તેમને સૂતર મળવામાં પડતી મુશ્કેલીની, તેમાં તેઓ કેમ છેતરાતા હતા તેની, ને છેવટે તેઓ દિવસે દિવસે કરજદાર થતા હતા તેની ખબર પડી. અમે પોતે તુરત અમારું બધું કાપડ વણી શકીએ એવી સ્થિતિ તો નહોતી જ , તેથી બહારના વણકરોની પાસે અમારે જોઈતું કપડું વણાવી લેવાનું હતું. કેમ કે દેશી મિલના સૂતરનું હાથે વણાયેલું કપડું વણકરો પાસેથી ઝટ મળે તેમ નહોતું.વણકરો સારું કપડું બધું વિલાયતી સૂતરનું જ વણતા હતાં. કેમ કે આપણી મિલો ઝીણું સૂતર નહોતી કાંતતી. આજ પણ પ્રમાણમાં ઝીણું સૂતર તે ઓછું જ કાંતે છે, બહુ ઝીણું તો કાંતી જ શકતી નથી. મહા પ્રયત્ને કેટલાક વણકરો હાથ આવ્યા, જેમણે દેશી સૂતરનું કાપડ વણી આપવાની મહેરબાની કરી. આવણકરોને દેશી સૂતરનું વણેલું કાપડ ખરીદી લેવાની આશ્રમ તરફથી ખોળાધરી આપવી પડી હતી. આમ ખાસ તૈયાર કરાવેલું કાપડ વણાવી અમે પહેર્યું ને મિત્રોમાં તેનો પ્રચાર કર્યો. અમે તો કાંતનારી મિલોના બિનપગાર એજંટ બન્યા.મિલોના પરિચયમાં આવતાં તેમના વહીવટની, તેમની લાચારીની માહિતી મળી. અમે જોયું કે ; મિલોનું ધ્યેય પોતે કાંતીને પોતે વણવાનું હતું. તેઓ હાથસાળની ઇચ્છાપૂર્વક મદદગાર નહોતી, પણ અનિચ્છાએ હતી.

આ બધું જોઈને અમે હાથે કાંતવા અધીરા થયા. હાથે ન કાંતીએ ત્યાં લગી અમારી પરાધીનતા રહેવાની એમ જોયું. મિલોના એજંટ બનવાથી અમે દેશસેવા કરીએ છીએ એમ ન લાગ્યું.

પણ ન મળે રેંટિયો ને ન મળે રેંટિયો ચલાવનાર.કોકડાં વગેરે ભરવાના રેંટિયા તો અમારી પાસે હતા,પણ તેમની ઉપર કાંતી શકાય એવું તો ભાન જ નહોતું. એક વેળા એક બાઈને કાળિદાસ વકીલ શોધી લાવ્યા.તે કાંતી બતાવશે એમ તમણે કહ્યું. તેની પાસે એક આશ્રમવાસી, જે નવાં કામો શીખી લેવામાં બહુ પ્રવીણ હતાં, તેમને મોકલ્યા; પણ કસબ હાથ ન લાગ્યો.

વખત તો વહેવા લાગ્યો. હું અધીરો બન્યો હતો. ખબર આપી શકે