પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવા જે આશ્રમમાં ચડી આવે તેમને હું પૂછું. પણ કાંતવાનો ઈજારો તો સ્ત્રીનો જ હતો. એટલે ખૂણેખાંચરે કાંતવાનું જાણનારી સ્ત્રી તો સ્ત્રીને જ મળે.

ભરુચ કેળવણી પરિષદમાં મને ગુજરાતી ભાઈઓ સન ૧૯૧૭ની સાલમાં ઘસડી ગયા હતા.ત્યાં મહાસાહસી વિધવા બહેન ગંગાબાઈ હાથ લાગ્યાં. તમનું ભણતર બહુ નહોતું,પણ તમનામાં હિઁમત ને સમજણ ભણેલી બહેનોમાં સામાન્ય રીતે હોય છે તેના કરતાં વિશેષ હતાં. તેમણે પોતાના જીવનમાંથી અસ્પૂશ્યતાની જડ કાઢી નાખી હતી, ને તે બેધડક રીતે અંત્યજોમાં ભળતાં ને તેમની સેવા કરતાં. તેમની પાસે દ્રવ્ય હતું, પણ પોતાની હાજતો ઓછી જ હતી.શરીર કસાયેલું હતું, ને ગમે ત્યાં એકલાં જતાં મુદ્લ સંકોચ પામે તેવાં નહોતાં. ઘોડાની સવારી કરવાને પણ તે તૈયાર રહેતાં. આ બહેનનો વિશેષ પરિચય ગોધરાની પરિષદમાં કર્યો. મારું દુ:ખ મેં તેમની પાસે મૂક્યું, ને દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમ રેંટિયાની શોધમાં ભમવાનું પણ લઈ મારો ભાર તેમણે હળવો કર્યો.

૪૦. મળ્યો

ગુજરાતમાં સારી પેઠે ભટક્યા પછી ગાયકવાડના વિજાપુરમાં ગંગાબહેનને રેંટિયો મળ્યો. ઘણાં કુટુંબોની પાસે રેંટિયો હતો તે તેમણે મેડે ચડાવી મેલ્યો હતો. પણ જો તેમનું સૂતર કોઈ લે તો તેમને પૂણી પૂરી પાડવામાં આવે તો તેઓ કાંતવા તૈયાર હતાં. ગંગાબહેને મને ખબર આપ્યા, ને મારા હર્ષનો પાર ન રહ્યો. પૂણી પહોંચાડવાનું કામ અઘરું લાગ્યું. મરહૂમ ભાઈ ઉમર સોબાનીને વાત કરતાં તેમણે પોતાની મિલમાંથી પૂણીનાં ભૂંગળાં પૂરાં પાડવાનું કામ માથે લીધું. મેં તે ગંગાબહેનને મોકલ્યાં, ને સૂતર એટલા વેગથી તૈયાર થવા લાગ્યું કે હું થાક્યો.

ભાઈ ઉમર સોબાનીની ઉદારતા બહોળી હતી, છતાં તેને હદ હતી. પૂણીઓ વેચાતી લેવાનો નિશ્ચય કરતાં મને સંકોચ થયો. વળી મિલની પૂણીઓ લઈ કંતાવવામાં મને બહુ દોષ લાગ્યો. જો મિલની પૂણીઓ લઈએ તો સૂતરનો શો દોષ ? પૂર્વજોની પાસે મિલની પૂણીઓ ક્યાં હતી ?