પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શિવજીએ મુંબઈમાં રેંટિયાવર્ગ કાઢ્યો. આ પ્રયોગોમાં દ્રવ્યનું ખર્ચ ઠીક થયું. શ્રદ્ધાળુ દેશભક્તોએ પૈસો આપ્યો ને મેં ખરચ્યો. એ ખરચ વ્યર્થ નથી ગયું એવો મારો નમ્ર અભિપ્રાય છે. તેમાંથી ઘણું શીખવાનું મળ્યું. મર્યાદાનું માપ મળ્યું.

હવે હું કેવળ ખાદીમય થવા અધીરો થયો. મારું ધોતિયું દેશી મિલના કાપડનું હતું. જે ખાદી વિજાપુરમાં ને આશ્રમમાં થતી હતી તે બહુ જાડી અને ૩૦ ઇંચ પનાની થતી હતી. મેં ગંગાબહેનને ચેતવણી આપી કે, જો ૪૫ ઇંચ પનાનું ખાદીનું ધોતિયું એક માસની અંદર પૂરું ન પાડે, તો મારે જાડી ખાદીનું અડધિયું પહેરી નિભાવ કરવો પડશે. આ બહેન અકળાયાં, મુદ્દત ઓછી લાગી, પણ હાર્યા નહીં. તેમણે મહિનાની અંદર મને પચાસ ઇંચનો ધોતીજોટો પૂરો પાડ્યો ને મારું દારિદ્ર્ય ફિટાડ્યું.

એ જ અરસામાં ભાઈ લક્ષ્મીદાસ લાઠીથી અંત્યજ ભાઈ રામજી અને તેમનાં પત્ની ગંગાબહેનને આશ્રમમાં લાવ્યા, ને તેમની મારફતે મોટા પનાની ખાદી વણાવી. ખાદીપ્રચારમાં આ દંપતીનો હિસ્સો જેવોતેવો ન કહેવાય. તેમણે ગુજરાત અને ગુજરાતની બહાર હાથસૂતર વણવાનો કસબ બીજાઓને શીખવ્યો છે. આ નિરક્ષર પણ સંસ્કારી બહેન જ્યારે સાળ ચલાવે છે ત્યારે તેમાં એટલાં લીન થાય છે કે, આમતેમ જોવાની કે કોઈની સાથે વાત કરવાની ફુરસદ પોતાને સારુ રાખતાં નથી.

૪૧. એક સંવાદ

જે વેળાએ સ્વદેશીને નામે ઓળખાતી આ પ્રવૃત્તિ ચાલવા માંડી, ત્યારે મિલમાલિકો તરફથી મને ઠીક ઠીક ટીકા મળવા લાગી. ભાઈ ઉમર સોબાની પોતે બાહોશ મિલમાલિક હોવાથી તે પોતાના જ્ઞાનનો ઉપયોગ મને આપતા જ હતા, પણ બીજાઓના અભિપ્રાયની ખબર પણ મને આપતા રહેતા હતા. તેમનામાંના એકની દલીલની અસર તેમની ઉપર પણ પડી, અને મને તેમની પાસે લઈ જવાની તેમને સૂચના કરી. મેં તે વધાવી લીધી. અમે તેમની પાસે ગયા. તેમણે આરંભ કર્યો:

'તમારી સ્વદેશી ચળવળ પહેલી જ નથી એ તો તમે જાણૉ છો ના?'

મેં જવાબ આપ્યો: 'હા, જી.'