પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચળવળની જરૂર નથી, પણ ઉત્પન્ન કરવાની છે.'

'ત્યારે હું એ જ કામ કરતો હોઉં તો તો તમે આશીર્વાદ આપો ના ?' હું બોલ્યો.

'એ કેવી રીતે ? તમે જો મિલ ખોલવાનો પ્રયત્ન કરતા હો તો તમને ધન્યવાદ ઘટે છે.'

'એ તો હું નથી કરતો. પણ હું તો રેંટિયાપ્રવૃત્તિમાં રોકયો છું.'

'એ શું ?'

મેં રેંટિયાની વાત કહી સંભળાવી ને ઉમેર્યું:

'તમારા વિચારને હું મળતો આવું છું. મારે મિલોની એજન્સી ન કરવી જોઈએ. તેથી ફાયદાને બદલે નુકસાન જ છે. મિલોનો માલ કાંઈ પડ્યો નથી રહેતો. મારે તો ઉત્પન્ન કરવામાં ને જે કાપડ ઉત્પન્ન થાય તે ખપાવવામાં રોકાવું જોઈએ. અત્યારે તો હું ઉત્પન્નમાં જ રોકાયો છું. આ પ્રકારના સ્વદેશીમાં હું માનું છું કેમ કે તે વાટે હિંદુસ્તાનનાં ભૂખે મરતાં, અરધા ધંધા વિનાનાં બૈરાંને કામ આપી શકાય. તેઓ કાંતે તે સૂતર વણાવવું ને તે ખાદી લોકોને પહેરાવવી એ મારી વૃત્તિ છે ને એ ચળવળ છે. રેંટિયાપ્રવૃત્તિ કેટલી સફળ થશે એ તો હું નથી જાણતો. હજુ તો માત્ર તેનો આરંભકાળ છે. પણ મને તેમાં પૂરો વિશ્વાસ છે. ગમે તેમ હોય પણ તેમાં નુકસાન તો નથી જ. હિંદુસ્તાનમાં ઉત્પન્ન થતા કાપડમાં જેટલો વધારો આ ચળવળથી થાય એટલો લાભ જ છે. એટલે આ પ્રયત્નમાં તમે કહો છો તે દોષ તો નથી જ.'

'જો એ રીતે તમે ચળવળ ચલાવતા હો તો મારે કંઈ કહેવાનું નથી. આ યુગમાં રેંટિયો ચાલે કે નહીં એ જુદી વાત છે. હું તો તમને સફળતા જ ઇચ્છું છું.'