પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્વરાજ મેળવવું એ બંધારણની કલમ હતી. તે શરતનો પણ વિરોધ થયો હતો. મહાસભાએ તેનો અસ્વીકાર કર્યો ને આખું બંધારણ મહાસભામાં સુંદર ચર્ચા થયા પછી પસાર થયું. મારો અભિપ્રય છે કે આ બંધારણનો અમલ પ્રામાણિકપણે ને હોંશથી લોકોએ કર્યો હોત તો તેથી પ્રજા ભારે કેળવણી પામત ને તેના અમલમાં સ્વરાજ મળવાપણું હતું પણ એ વિષય અહીં પ્રસ્તુત નથી.

આ જ સભામાં હિંદુમુસ્લિમ ઐક્ય વિશે, અંત્યજ વિશે ને ખાદી વિશે પણ ઠરાવો થયા. અને ત્યારથી અસ્પૃશ્યતા દૂર કરવાનો ભાર મહાસભાના હિંદુ સભ્યોએ ઉપાડ્યો છે, ને ખાદી વડે મહાસભાએ પોતાનું અનુસંધાન હિંદુસ્તાનના હાડપિંજરની સાથે કર્યું છે. ખિલાફતના સવાલને અંગે અસહકાર એ જ હિંદુમુસ્લિમ ઐક્ય સાધવાનો મહાસભાનો મહાન પ્રયાસ હતો.