પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પૂર્ણાહુતિ

પણ હવે આ પ્રકરણો બંધ કરવાનો સમય આવી પહોંચ્યો છે.

હવેનું મારું જીવન એટલું બધું જાહેર થયું કે કશું પ્રજા નથી જાણતી એવું ભાગ્યે જ હોય. વળી ૧૯૨૧ની સાલથી હું મહાસભાના આગેવાનોની સાથે એટલો બધો ઓતપ્રોત થઈને રહ્યો છું કે એક પણ કિસ્સાનું વર્ણન નેતાઓના સંબંધને તેમાં લાવ્યા વિના હું યથાર્થ ન જ કરી શકું. આ સંબંધો હજુ તાજા છે. શ્રદ્ધનંદજી, દેશબંધુ, લાલાજી અને હકીમસાહેબ આપણી પાસે નથી, છતાં સદ્‌ભાગ્યે બીજા ઘણા નેતાઓ હજુ મોજૂદ છે. મહાસભાના પરિવર્તન પછીનો ઇતિહાસ હજુ ઘડાઈ રહ્યો છે. મારા મુખ્ય પ્રયોગો મહાસભાની મારફતે થયા છે, એટલે તે પ્રયોગોનું વર્ણન કરવામાં નેતાઓના સંબંધોને વચ્ચે લાવવા અનિવાર્ય છે. એ હું વિનયને ખાતર પણ હાલ તો ન જ લાવી શકું. છેવટમાં, હાલ ચાલતા પ્રયોગોને વિષે મારા નિર્નયો નિશ્ચયાત્મક ન ગણી શકાય. એટલે આ પ્રકરણોને હાલ તો બંધ જ કરવાં એ મારું કર્તવ્ય જણાય છે. મારી કલમ જ આગળ ચાલવાની ના કહે છે એમ કહું તો ચાલે.

વાંચનારની રજા લેતાં મને આઘાત પહોંચે છે. મારા પ્રયોગોની મારી પાસે બહુ કિંમત છે. તેમને હું યથાર્થ વર્ણવી શક્યો છું કે નહીં એ હું નથી જાણતો. યથાર્થ વર્ણવવામાં મેં કચાશ નથી રાખી. સત્યને મેં જેવું જોયું છે, જે માર્ગે જોયું છે તે બતાવવાનો મેં સતત પ્રયત્ન કર્યો છે, ને વાંચનારને તે વર્ણનો આપતાં ચિત્તશાંતિ ભોગવી છે. કેમ કે ટેંઆઆંથી વાંચનારને સત્ય અને અહિંસાને વિષે વધારે આસ્થા બેસે એવી મેં આશા રાખી છે.

સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું. સત્યમય થવાને સારુ અહિંસા એ જ એક માર્ગ છે, એમ આ પ્રકરણોને પાને પાને ન દેખાયું હોય તો આ પ્રયત્ન વ્યર્થ સમજું છું. પ્રયત્ન વ્યર્થ હો, પણ વચન વ્યર્થ નથી. મારી અહિંસા સાચી તોયે કાચી છે, અપૂર્ણ છે. તેથી મારી સત્યની ઝાંખી હજારો સૂરજને એકઠા કરીએ તોપણ જે સત્યરૂપી સૂરજના તેજનું પૂરું માપ ન મળી શકે એવા સૂરજના એક કિરણમાત્રના