પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દર્શનરૂપ જ છે. એનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે, એટલું તો હું મારા આજ લગીના પ્રયોગોને અંતે અવશ્ય કહી શકું છું.

આવા વ્યાપક સત્યનારાયણનાં પ્રત્યક્ષ દર્શનને સારુ જીવમાત્રની પ્રત્યે આત્મવત્‌ પ્રેમની પરમ આવશ્યકતા છે. અને તે કરવાને ઇચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રની બહાર નથી રહી શકતો. તેથી જ સત્યની મારી પૂજા મને રાજ્યપ્રકરણમાં ખેંચી ગઈ છે. ધર્મને રાજ્યપ્રકરણની સાથે સંબંધ નથી એમ કહેનાર ધર્મને જાણતો નથી એમ કહેતાં મને સંકોચ નથી થતો, એમ કહેવામાં હું અવિનય નથી કરતો.

આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. આત્મશુદ્ધિ વિના અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. અશુદ્ધાત્મા પરમાત્માનાં દર્શન કરવા અસમર્થ છે, એટલે જીવનમાર્ગનાં બધાં ક્ષેત્રોમાં શુદ્ધિની આવશ્યકતા છે. એ શુદ્ધિ સાધ્ય છે, કેમ કે વ્યક્તિ અને સમષ્ટિની વચ્ચે એવો નિકટ સંબંધ છે કે એકની શુદ્ધિ અનેકની શુદ્ધિ બરાબર થઈ પડે છે. અને વ્યક્તિગત પ્રયત્ન કરવાની શક્તિ સત્યનારાયણે સહુને જન્મથી જ આપી છે.

પણ આ શુદ્ધિનો માર્ગ વિકટ છે એમ હું તો પ્રતિક્ષણ અનુભવું છું. શુદ્ધ થવું એટલે મનથી, વચનથી અને કાયાથી નિર્વિકાર થવું, રાગદ્વેષાદિરહિત થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતા છતાં હું પહોંચ્યો નથી, તેથી લોકની સ્તુતિ મને ભોળવી શકતી નથી, એ સ્તુતિ ઘણી વેળા ડંખે છે. મનના વિકારોને જીતવા જગતને શસ્ત્રયુદ્ધથી જીતવા કરતાંયે મને કઠિન લાગે છે. હિંદુસ્તાનમાં આવ્યા પછી પણ હું મારામાં સંતાઈ રહેલા વિકારોને જોઈ શક્યો છું, શરમાયો છું, પણ હાર્યો નથી. સત્યના પ્રયોગો કરતાં મેં રસ લૂંટ્યો છે, આજે લૂંટી રહ્યો છું. પણ હું જાણું છું કે મારે હજુ વિકટ માર્ગ કાપવાનો છે. તેને સારુ મારે શૂન્યવત્‌ બનવાનું છે. મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સહુથી છેલ્લો ન મૂકે ત્યાં લગી તેની મુક્તિ નથી. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. અને એ નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એ અનુભવસિદ્ધ વાત છે. એ નમ્રતાની પ્રાર્થના કરતો, તેમાં જગતની મદદ યાચતો અત્યારે તો આ પ્રકરણોને બંધ કરું છું.