પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉપર જ નિભાવ કર્યો. મજમુદારને તો કશોય સંકોચ નહોતો. તે તો સૌની સાથે ભળી ગયેલા. ડેક ઉપર પણ છૂટથી જાય. હું તો આખો દહાડો કોટડીમાં ભરાઇ રહું. કવચિત્ ડેક ઉપર માણસો થોડા હોય તે વેળા થોડી વાર ત્યાં બેસી આવું. મજમુદાર મને બધાની સાથે ભળી જવાનું, છૂટથી વાતો કરવાનું સમજાવે; વકીલની જીભ છૂટી હોવી જોઇએ એમ પણ મને કહે; પોતાના વકીલ તરીકેના અનુભવો વર્ણવે; અંગ્રેજી આપણી ભાષા ન કહેવાય, તેમાં ભૂલ તો પડે જ, છતાં બોલવાની છૂટ રાખવી જોઇએ વગેરે કહે. પણ હું મારી ભીરુતા ન છોડી શકું.

મારી દયા ખાઇ એક ભલા અંગ્રેજ મારી જોડે વાતો શરૂ કરી. પોતે ઉંમરે મોટા હતા. હું શું ખાઉં છું, કોણ છું, ક્યાં જાઉં છું, કેમ કોઇની સાથે વાતચીત કરતો નથી, વગેરે સવાલ પૂછે. મને ખાવા ઉપર જવાનું સૂચવે. માંસ ન ખાવાના મારા આગ્રહ વિષે સાંભળી તે હસ્યા ને મારી દયા લાવી બોલ્યા: "અહીં તો(પોર્ટ સેડ પહોંચ્યા પહેલાં) ઠીક જ છે, પણ બિસ્કેના ઉપસાગરમાં પહોંચીશ ત્યારે તું તારા વિચાર ફેરવીશ. ઇંગ્લંડમાં તો એટલી ટાઢ પડે છે કે માંસ વિના ન જ ચાલે."

મેં કહ્યું, "મેં સાંભળ્યું છે કે ત્યાં લોકો માંસાહાર વિના રહી શકે છે."

તેઓ બોલ્યા, "એ ખોટી વાત માનજે. મારી ઓળખાણના એવા કોઇને હું નથી જાણતો કે જે માંસાહાર ન કરતા હોય. જો, હું દારૂ પીઉં છું તે પીવાનું તને નથી કહેતો, પણ માંસાહાર તો કરવો જોઇએ એમ મને લાગે છે."

મેં કહ્યું, "તમારી સલાહને સારુ હું આભાર માનું છું. પણ તે ન લેવા હું મારા માતુશ્રીની સાથે બંધાયેલો છું. તેથી તે મારાથી ન લેવાય. જો તે વિના નહીં જ ચાલતું હોય તો હું પાછો હિંદુસ્તાન જઈશ, પણ માંસ તો નહીં જ ખાઉં."

બિસ્કેનો ઉપસાગર આવ્યો. ત્યાં પણ મને તો ન જરૂર જણાઇ માંસની કે ન જણાઇ મદિરાની. માંસ ન ખાધાનાં પ્રમાણપત્રો એકઠાં કરવાની મને ભલામણ થઈ હતી. તેથી આ અગ્રેજ મિત્રની પાસેથી મેં પ્રમાણપત્ર માગ્યું. તેમણે તે ખુશીથી આપ્યું. તે મેં કેટલોક સમય સુધી ધનની જેમ સંઘરી રાખેલું. પાછળથી મને ખબર પડી કે પ્રમાણપત્રો