પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ પ્રતિજ્ઞા જ ન કહેવાય. હું તને કહું છું કે આને કાયદો પ્રતિજ્ઞા નહીં ગણે. આવી પ્રતિજ્ઞાને વળગી રહેવું એ તો કેવળ વહેમ ગણાય. અને આવા વહેમને વળગી રહી તું આ મુલકમાંથી કંઈ જ દેશ નહીં લઈ જાય તુંતો કહે છે કે તેં માંસ ખાધું છે. તને ભાવ્યું પણ ખરું, જ્યાં ખાવાની કશી જરૂર નહોતી ત્યાં ખાધું. જ્યાં ખાવાની ખાસ જરૂર ત્યાં ત્યાગ ! આ કેવું આશ્ચર્ય !'

હું એક ટળી બે ન થયો.

આવી દલીલો રોજ ચાલે. છત્રીસ રોગનો હરનાર એક નન્નો જ મારી પાસે હતો. મિત્ર જેમ મને સમજાવે તેમ મારી દૃઢતા વધે. રોજ ઈશ્વરની રક્ષા યાચું તે મને મળે. ઈશ્વર કોણ તે હું ન જાણું. પણ પેલી રંભાએ આપેલી શ્રદ્ધા પોતાનું કામ કરી રહી હતી.

એક દિવસ મિત્રે મારી પાસે બેંથમનો ગ્રંથ વાંચવાનું શરૂ કર્યું. ઉપયોગિતાવાદ વિષે વાંચ્યું, હું ગભરાયો. ભાષા ઊંચી, હું માંડ સમજું. તેનું તેમણે વિવેચન કર્યું. મેં ઉત્તર આપ્યો :

'મને માફ કરો એમ ઈચ્છું છું. હું આવી ઝીણી વાતો નહીં સમજું. માંસ ખાવું જોઈએ એ હું કબૂલ કરું છું. પણ મારી પ્રતિજ્ઞાનું બંધન હું નહીં તોડી શકું. એને વિષે દલીલ હું નહીં કરી શકું. દલીલમાં તમને હું ન જ જીતું એવી મારી ખાતરી છે, પણ મને મૂરખ માનીને અથવા હઠીલો માનીને આ બાબતમાં મને છોડી દો. તમારો પ્રેમ હું સમજું છું. તમારો હેતુ સમજું છું. તમને હું મારા પરમ હિતેચ્છુ માનું છું. તમને દુ:ખ થાય છે તેથી તમે મને આગ્રહ કરો છો એ પણ હું જોઈ રહ્યો છું, પણ હું લાચાર છું. પ્રતિજ્ઞા નહીં તૂટે.'

મિત્ર જોઈ રહ્યા. તેમણે પુસ્તક બંધ કર્યું.'બસ, હવે હું દલીલ નહીં કરું,' કહી ચૂપ રહ્યા. હું રાજી થયો. આ પછી તેમણે દલીલ કરવી છોડી દીધી.

પણ મારે વિષેની તેમની ચિંતા દૂર ન થઈ. તે બીડી પીતાઅ, દારૂ પીતા. મને તેમાંની એકે વસ્તુ કરવાનું કદી ન કહ્યું. ઊલટું તે ન કરવા કહે. માંસાહાર વગર હું નબળો થઈશ અને ઈંગ્લાંડમાં છૂટથી રહી નહીં શકું એ તેમની ચિંતા હતી.