પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આમ મેં એક માસ નવા શિખાઉ તરીકે ઉમેદવારી કરી. મિત્રનું મકાન રિચમંડમાં હતું. એટલે લંડન જવાનું અઠવાડિયામાં એક બે વાર જ થાય. હવે મને કોઈ કુટુંબમાં મૂકવો જોઈએ એવો વિચાર દાક્તર મહેતા તથા ભાઈ દલપતરામ શુકલે કર્યો. ભાઈ શુક્લે વેસ્ટ કેન્સિગ્ટનમાં એક ઍગ્લૉઈંડિયનનું ઘર શોધ્યું ને ત્યાં મને મૂક્યો. ઘરધણી બાઈ વિધવા હતી. તેને મારા માંસત્યાગની વાત કરી. ડોસીએ મારી દેખરેખ રાખવાનું કબૂલ્યું. હું ત્યાં રહ્યો. અહીં પણ ભૂખે દિવસ જાય. મેં ઘેરથી મીઠાઈ વગેરે ખાવાનું મંગાવ્યું હતું તે હજુ આવ્યું નહોતું. બધું મોળું લાગે. ડોસી હમેશાં પૂછે; પણ તે શું કરે ? વળી હું હજુ શરમાઉં. ડોસીને બે દીકરીઓ હતી. તે આગ્રહથી થોડી રોટી વધારે આપે. પણ તે બિચારી શું જાણે કે તેની આખી રોટી હું ખાઈ જાઇં ત્યારે જ મારું પેટ ભરાય એમ હતું ?

પણ હવે મને પાંખ આવવા લાગી હતી. હજુ અભ્યાસ તો શરૂ નહોતો થયો. માંડ વર્તમાનપત્ર વાંચતો થયો હતો. એ પ્રતાપ ભાઈ શુક્લના હતા. હિંદુસ્તાનમાં મેં કદી વર્તમાનપત્ર વાંચ્યાં નહોતાં. પણ નિરંતર વાંચવાના અભ્યાસથી તે વાંચવાનો શોખ કેળવી શક્યો. 'ડૅલી ન્યૂસ', 'ડૅલી ટૅલિગ્રાફ' અને 'પેલેમેલે ગૅઝેટ' એટલાં પત્રો પર આંખ ફેરવતો. પણ તેમાં તો પ્રથમ ભાગ્યે જ કલાક જતો હશે.

મેં તો ભ્રમણ શરૂ કર્યું. મારે નિરામિષ એટલે કે અન્નાહાર આપનારું ભોજનગૃહ શોધવું હતું. ઘરધણી બાઈએ પણ કહેલું કે લંડન તળમાં એવાં ગૃહો છે ખરાં. હું રોજ દશબાર માઈલ ચાલું. કોઈ ગરીબડા ભોજનગૃહમાં જઈ પેટ ભરીને રોટી ખાઈ લૌં, પણ સંતોષ ન વળે. આમ ભટકતાં એક દિવસ હું ફૅરિંગ્ડન સ્ટ્રીટ પહોંચ્યો ને 'વેજિટેરિયન રેસ્ટોરાં' (અન્નાહારી વીશી) એવું નામ વાંચ્યું, બાળકને મનગમતી વસ્તુ મળવાથી જે આનંદ થાય તે મને થયો. હર્ષઘેલો હું અંદર દાખલ થાઉં તેના પહેલાં તો મેં દરવાજા પાસેની કાચની બારીમાં વેચવાનાં પુસ્તકો જોયાં. તેમાં મેં સૉલ્ટનું 'અન્નાહારની હિમાયત' નામનું પુસ્તક જોયું. એક શિલિંગ આપી ખરીદ્યું ને પછી જમવા બેઠો. વિલાયતમાં આવ્યા પછી પેટ ભરીને ખાવાનું પ્રથમ અહીં મળ્યું. ઈશ્વરે મારી ભૂખ ભાંગી.

સૉલ્ટનું પુસ્તક વાંચ્યું. મારા પર તેની છાપ સરસ પડી. આ પુસ્તક