પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જઈશ, અખતરાઓમાં મારો જન્મ એળે જશે, મારે કરવાનું છે તે ભૂલીશ અને વેદિયો બની રહીશ. તેથી તેમણે મને સુધારવાનો એક છેલ્લો પ્રયત્ન કર્યો. મને નાટકમાં લઈ જવાને નોતર્યો. ત્યાં જતાં પહેલાં મારે તેમની સાથે હૉબર્ન ભોજનગૃહમાં ખાવાનું હતું. આ ગૃહ મારી નજરે મહેલ હતો. એવા ગૃહમાં જવાનો વિકટોરિયા હોટેલ છોડ્યા પછી આ પહેલો અનુભવ હતો. વિકટોરિયા હોટેલનો અનુભવ નકામો હતો, કેમ કે ત્યાં તો હું બેભાન હતો એમ ગણાય. સેંકડોની વચ્ચે અમે બે મિત્રોએ એક ટેબલ રોક્યું. મિત્રે પહેલું પિરસણ મંગાવ્યું. તે 'સૂપ' હોય. હું મૂંઝાયો. મિત્રને શું પૂછું મેં તો પીરસનારને પાસે બોલાવ્યો.

મિત્ર સમજ્યા.ચિડાઈને મને પૂછયું :

'શું છે?'

મેં ધીમેથી સંકોચપૂર્વક કહ્યું:

'મારે પૂછવું છે, આમાં માંસ છે કે?'

'આવું જંગલીપણું આવા ગૃહમાં નહીં ચાલે. જો તારે હજુ પણ એમ કચકચ કરવી હોય તો તું બહાર જઈ કોઈ નાનકડા ભોજનગૃહમાં ખાઇ લે ને બહાર મારી વાટ જોજે.'

હું આ ઠરાવથી રાજી થઈ ઊઠ્યો ને બીજી વીશી શોધી. પાસે એક અન્નાહાર આપનારું ભોજનગૃહ હતું, પણ તે તો બંધ થઈ ગયું હતું. હવે શું કરવું એ મને સમજ ન પડી. હું ભૂખ્યો રહ્યો. અમે નાટકમાં ગયા. મિત્રે પેલા બનાવ વિષે એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો. મારે તો કંઈ બોલવાનું હોય જ શેનું?

પણ આ અમારી વચ્ચે છેલ્લું મિત્રયુદ્ધ હતું. અમારો સંબંધ ન તૂટ્યો, ન કડવો બન્યો. હું તેમના બધા પ્રયાસોની પાછળ રહેલો પ્રેમ વરતી શક્યો હતો, તેથી વિચારની અને આચારની ભીન્નતા છતાં મારો તેમના પ્રત્યેનો આદર વધ્યો.

પણ મારે તેમની ભીતિ ભાંગવી જોઈએ એમ મને લાગ્યું. મેં નિશ્ચય કર્યો કે જંગલી નહીં રહું, સભ્યના લક્ષણો કેળવીશ, ને બીજી રીતે સમાજમાં ભળવાને લાયક બની મારી અન્નાહારની વિચિત્રતા ઢાંકીશ.

મેં 'સભ્યતા' કેળવવાનો ગજા ઉપરવટનો ને છીછરો માર્ગ લીધો.