પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શક્યો છું, ને જેટલી હિલચાલો મારા હાથ તળે ચાલી છે તેમાં કોઈ દિવસ મેં કરજ નથી કર્યું, પણ દરેકમાં કંઈક ને કંઈક જમે પાસામાં રહ્યું જ છે. દરેક નવયુવક પોતાને મળતા થોડા રૂપિયાનો પણ હિસાબ કાળજીપૂર્વક રાખશે તો તેનો લાભ જેમ ભવિષ્યમાં મને અને પ્રજાને મળ્યો તેમ તે પણ અનુભવશે.

મારી રહેણી ઉપર મારો અંકુશ હતો તેથી હું જોઈ શક્યો કે મારે કેટલું ખર્ચ કરવું જોઈએ. હવે મેં ખર્ચ અડધું કરી નાખવાનો વિચાર કર્યો. હિસાબ તપાસતાં જોયું કે મને ગાડીભાડાનો ખર્ચ સારી પેઠે થતો હતો. વળી કુટુંબમાં રહેવાથી અમુક રકમ તો અઠવાડિયે જાય જ. કુટુંબનાં માણસોને કોઈ દહાડો જમવાને બહાર લઈ જવાનો વિવેક વાપરવો જોઈએ. વળી તેમની સાથે મિજબાનીમાં કોઈ વેળા જવું પડે ત્યાં ગાડીભાડાનો ખર્ચ થાય જ. છોકરી હોય તો તેને ખર્ચ આપવા ન જ દેવાય. વળી બહાર જઈએ તો ઘેર ખાવાને પહોંચાય નહીં, ત્યાં તો પૈસા આપ્યા જ હોય, છતાં બહાર ખાવાના પૈસા બીજા આપ્યે જ છૂટકો. આમ થતું ખર્ચ બચાવી શકાય એમ જોયું શરમથી જ કેટલું ખર્ચ કરવું પડતું હતું તે પણ બચે એમ સમજાયું.

અત્યાર સુધી કુટુંબોમાં રહેતો હતો તેને બદલે પોતાની જ કોટડી લઈને રહેવું એમ ઠરાવ કર્યો, અને કામ પ્રમાણે તથા અનુભવ મેળવવા સારુ જુદાં જુદાં પરાંમાં ઘર બદલવું એવો ઠરાવ કર્યો. ઘર એવે ઠેકાણે પસંદ કર્યાં કે જ્યાંથી કામની જગ્યાએ અડધા કલાકમાં ચાલીને જઈ શકાય ને ગાડીભાડું બચે. આ પહેલાં હમેશાં, જવાનું હોય ત્યાં ગાડીભાડું ખરચવું પડતું અને ફરવા જવાનો વખત નોખો કાઢવો પડતો. હવે કામે જતાં જ ફરાઈ જાય એવી ગોઠવણ થઈ અને આ ગોઠવણથી હમેશાં આઠદસ માઈલ તો હું સહેજે ફરી નાખતો. મુખ્યત્વે આ એક ટેવને લીધે હું ભાગ્યે જ વિલાયતમાં માંદો પડ્યો હોઈશ. શરીર ઠીક કસાયું. કુટુંબમાં રહેવાનું છોડી બે કોટડી ભાડે લીધી, એક સૂવાની અને એક બેઠક. આ ફેરફાર બીજો કાળ ગણાય. હજુ ત્રીજો હવે પછી થવાનો રહે છે.

આમ અરધું ખર્ચ બચ્યું. પણ વખતનું શું? હું જાણતો હતો કે બારિસ્ટરની પરીક્ષાને સારુ બહુ વાંચવાની જરૂર નહોતી; તેથી મને ધીરજ હતી. મારું કાચું અંગ્રેજી મને દુ:ખ દેતું હતું. લેલીસાહેબના શબ્દો —'તું