પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થાઓ, પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.

મારા લેખોને કોઈ પ્રમાણભૂત ન ગણે એમ હું ઇચ્છું છું, એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દૃષ્ટાંતરૂપે ગણીને સહુ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામતિ કરે એટલી જ મારી ઇચ્છા છે. એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે. કેમ કે, કહેવા યોગ્ય એક પણ વાત હું છુપાવવાનો નથી. મારા દોષોનું ભાન વાંચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે, હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની તલમાત્ર ઇચ્છા નથી. જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઇચ્છું છું અને જે માપ આપણે બધાએ પોતપોતાને વિશે વાપરવું જોઈએ, તે પ્રમાણે તો હું અવશ્ય કહું કે,

मो सम कौन कुटिल खल कामी ?
जिन तनु दियो ताहि बिसरायो
ऐसो निमकहरामी ।

કેમ કે, જેને હું સંપૂર્ણ વિશ્વાસપૂર્વક મારા શ્વાસોચ્છ્વાસનો સ્વામી ગણું છું, જેને હું મારા નિમકનો દેનાર ગણું છું તેનાથી હજીયે હું દૂર છું, એ મને પ્રતિક્ષણ સાલે છે. એના કારણરૂપ મારા વિકારને હું જોઈ શકું છું. પણ એને હજીયે કાઢી શકતો નથી.

પણ હવે બસ થયું. પ્રસ્તાવનામાંથી હું પ્રયોગની કથામાં ન ઊતરી શકું. એ તો કથા-પ્રકરણોમાં જ મળશે.

આશ્રમ, સાબરમતી
માગશર શુ. ૧૧, ૧૯૮૨
મોહનદાસ કરમચંદ ગાંધી