પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બી.એ. થા, પછી આવજે'—ખૂંચતા હતા. મારે બારિસ્ટર થવા ઉપરાંત કંઈક બીજો અભ્યાસ કરવો જોઈએ. ઑક્સ્ફર્ડ કેમ્બ્રિજની ખબર કાઢી. કેટલાક મિત્રોને મળ્યો. જોયું કે ત્યાં જતાં ખર્ચ બહુ વધે ને ત્યાંનો ક્રમ લાંબો. મારાથી ત્રણ વર્ષ ઉપરાંત રહેવાય તેમ નહોતું. કોઇ મિત્રે કહ્યું, 'જો તારે કંઈ કઠણ જ પરીક્ષા આપવી હોય તો તું લંડન મૅટ્રિક્યુલેશનમાં પાસ થા. તેમાં મહેનત ઠીક કરવી પડશે ને સામાન્ય જ્ઞાન વધશે. ખર્ચ તો મુદ્દલ નહીં વધે.' આ સૂચના મને ગમી. પરીક્ષાના વિષયો જોઉં તો ભડક્યો. લૅટિન અને બીજી ભાષા ફરજિયાત! લૅટિન કેમ થાય? પણ મિત્રે સૂચવ્યું: લૅટિનનો ઉપયોગ વકીલને બહુ હોય છે. લૅટિન જાણનારને કાયદાનાં પુસ્તકો સમજવાં સહેલાં લાગે. વળી 'રોમન લૉ'ની પરીક્ષામાં એક સવાલ તો કેવળ લૅટિન ભાષામાં જ હોય છે, ને લૅટિન જાણવાથી અંગ્રેજી ભાષા ઉપર કાબૂ વધે.' આ બધી દલીલોની અસર પડી. મુશ્કેલ હો કે ન હો, પણ લૅટિન તો શીખવું જ. ફ્રેંચ લીધેલું પૂરું કરવું. એટલે બીજી ભાષા ફ્રેંચ એમ નિશ્ચય કર્યો. એક ખાનગી મૅટ્રિક્યુલેશન વર્ગ ચાલતો હતો તેમાં જોડાયો, પરીક્ષા દર છ માસે થાય, મને ભાગ્યે પાંચ માસનો વખત હતો. આ કામ મારા ગજા ઉપરાંત હતું. પરિણામ એ આવ્યું કે સભ્ય બનવામાંથી હું તો અત્યંત ઉદ્યમી વિદ્યાર્થી બન્યો. ટાઇમટેબલ બનાવ્યું. મિનિટો સાચવી. પણ મારી બુદ્ધિ કે યાદશક્તિ એવાં નહોતાં કે હું બીજા વિષયો ઉપરાંત લૅટિન અને ફ્રેંચને પહોંચી શકું. પરીક્ષામાં બેઠો. લૅટિનમાં નાપાસ થયો. દુ:ખી થયો, પણ હાર્યો નહીં. લૅટિનમાં રસ લાગ્યો હતો. ફ્રેંચ વધારે સારું થશે ને વિજ્ઞાનમાં નવો વિષય લઈશ એમ વિચાર્યું. રસાયણશાસ્ત્ર, જેમાં હવે જોઉં છું કે ખૂબ રસ આવવો જોઈએ, તે પ્રયોગોને અભાવે મને ગમતું જ નહોતું. દેશમાં તો એ વિષય શીખવાનો હતો જ, એટલે લંડન મૅટ્રિક માટે પણ પહેલી વેળા એ જ પસંદ કર્યો હતો. આ વેળા પ્રકાશ અને ઉષ્ણતા (લાઇટ અને હીટ) લીધાં. આ વિષય સહેલો ગણાતો. મને પણ સહેલો લાગ્યો.

ફરી પરીક્ષા આપવાની તૈયારીની સાથે જ રહેણીમાં વધારે સાદાઈ દાખલ કરવાનો પ્રયાસ આદર્યો. મને લાગ્યું કે હજુ મારા કુટુંબની ગરીબાઈને છાજે તેવું સાદું મારું જીવન નથી. ભાઈની તંગીનો અને