પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નીકળ્યો. તેમાં ભાગ ન લેવો એ મને અન્યાય થવા દીધા બરોબર લાગ્યું. મૂંગે મોઢે મત આપી ને શાંત રહેવું એ નામર્દાઈ લાગી. મંડળના પ્રમુખ 'ટેમ્સ આયર્ન વકર્સ'ના માલિક મિ. હિલ્સ હતા. તેઓ નીતિચુસ્ત હતા. તેમના પૈસા ઉપર મંડળ નભતું હતું એમ કહી શકાય. સમિતિમાંના ઘણા તો તેમની છાયા નીચે નભતા હતા. આ સમિતિમાં દા. ઍલિન્સન પણ હતા. આ વખતે પ્રજોત્પત્તિ ઉપર કૃત્રિમ ઉપાયોથી અંકુશ મૂકવાની હિલચાલ ચાલતી હતી. દા. ઍલિન્સન તે ઉપાયોના હિમાયતી હતા ને મજૂરોમાં તેનો પ્રચાર કરતા. મિ. હિલ્સને આ ઉપાયો નીતિનાશ કરનારા લાગ્યા. તેમને મન અન્નાહારી મંડળ કેવળ ખોરાકના જ સુધારાને સારુ નહોતું, પણ તે એક નીતિવર્ધક મંડળ પણ હતું. અને તેથી દા. ઍલિન્સનના જેવા સમાજઘાતક વિચારો ધરાવનારા તે મંડળમાં ન હોવા જોઇએ એવો તેમનો અભિપ્રાય હતો. તેથી દા. ઍલિન્સનને સમિતિમાંથી બાતલ કરવાની દરખાસ્ત આવી. આ ચર્ચામાં હું રસ લેતો હતો. દા. ઍલિન્સનના કૃત્રિમ ઉપાયોવાળા વિચારો મને ભયંકર લાગેલા. તે સામે મિ. હિલ્સના વિરોધને હું શુદ્ધ નીતિ માનતો હતો. તેમના પ્રત્યે મને ખૂબ માન હતું. તેમની ઉદારતાને વિષે આદર હતો. પણ એક અન્નાહારસંવર્ધક મંડળમાંથી શુદ્ધ નીતિના નિયમોને ન માનનારનો, તેની અશ્રદ્ધાને કારણે, બહિષ્કાર થાય એમાં મને ચોખ્ખો અન્યાય જણાયો. મને લાગ્યું કે અન્નાહારી મંડળના સ્ત્રીપુરુષસંબધ વિષેના મિ. હિલ્સના વિચાર તેમના અંગત હતા. તેને મંડળના સિદ્ધાંત સાથે કશો સંબંધ નહોતો. મંડળનો હેતુ કેવળ અન્નાહારનો પ્રચાર કરવાનો હતો, અન્ય નીતિનો નહીં. તેથી બીજી અનેક નીતિનો અનાદર કરનારાને પણ મંડળમાં સ્થાને હોઇ શકે એવો મારો અભિપ્રાય હતો.

સમિતિમાં બીજા પણ મારા વિચારના હતા. પણ મને મારા વિચારો પ્રગટ કરવાનું શૂર ચડ્યું હતું. તે કેમ જણાવાય તે પ્રશ્ન થઈ પડ્યો. બોલવની મારી હિંમત નહોતી. તેથી મેં મારા વિચાર લખીને પ્રમુખની પાસે મૂકવાનો નિશ્ચય કર્યો. હું મારું લખાણ લઈ ગયો. મને યાદ છે તે પ્રમાણે એ લખાણ વાંચી જવાની મારી હિંમત ન ચાલી. પ્રમુખે તે બીજા સભ્યની પાસે વંચાવેલું. દા. ઍલિન્સનનો પક્ષ હારી ગયો. એટલે