પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવા પ્રકારના મારે સારુ આ પહેલા યુદ્ધમાં હું હરનાર પક્ષમાં રહ્યો. પણ તે પક્ષ સાચો હતો એવી મને ખાતરી હતી, તેથી મને સંપૂર્ણ સંતોષ હતો. મારો કઈંક ખ્યાલ એવો છે કે મેં ત્યાર પછી સમિતિમાંથી રાજીનામું આપેલું.

મારું શરમાળપણું વિલાયતમાં છેવટ સુધી રહ્યું. કોઇને મળવા જતાંયે જ્યાં પાંચ સાત માણસનું મંડળ એકઠું થાય ત્યાં હું મૂંગો બની જાઉં.

એક વખત હું વેંટનર ગયેલો. ત્યાં મજમુદાર પણ હતા. અહીં એક અન્નાહારી ઘર હતું ત્યાં અમે બન્ને રહેતા. 'એથિક્સ ઑફ ડાયટ'ના કર્તા આ જ બંદરમાં રહેતા હતા. અમે તેમને મળ્યા. અહીં અન્નાહારને ઉત્તેજન આપવાની એક સભા મળી. તેમાં અમને બંન્નેને બોલવાનું આમંત્રણ મળ્યું. બંનેએ કબૂલ રાખ્યું. લખેલું ભાષણ વાંચવામાં કંઇ બાધ ન ગણાતો એમ મેં જાણી લીધું હતું. પોતાના વિચારો કડીબદ્ધ ને ટૂંકામાં મૂકવાને સારુ ઘણા લખેલું વાંચતા એમ હું જોતો. મેં મારું ભાષણ લખ્યું. બોલવાની હિંમત નહોતી. હું વાચવા ઊભો થયો ત્યારે વાંચી પણ ન શક્યો. આંખે સૂઝે નહીં ને હાથપગ ધ્રૂજે. મારું ભાષણ ભાગ્યે ફૂલ્સકૅપનું એક પાનું હશે. તે મજમુદારે વાંચી સંભળાવ્યું. મજમુદારનું ભાષણ તો સરસ થયું. સાંભળનારા તેમનાં વચનોને તાળીઓના અવાજથી વધાવી લેતા હતા. હું શરમાયો ને મારી બોલવાની અશક્તિને લીધે દુ:ખ પામ્યો.

વિલાયતમાં જાહેરમાં બોલવાનો છેલ્લો પ્રયત્ન મારે વિલાયત છોડતાં કરવો પડ્યો હતો. વિલાયત છોડતાં પહેલાં અન્નાહારી મિત્રોને હૉબર્ન ભોજનગૃહમાં ખાણા સારુ નોતર્યા હતા. મને લાગ્યું કે અન્નાહારી ભોજનગૃહોમાં તો અન્નાહાર મળે જ પણ જ્યાં માંસાહાર થતો હોય તેવા ભોજનગૃહમાં અન્નાહારનો પ્રવેશ થાય તો સારું. આવો વિચાર કરી આ ગૃહના વ્યવસ્થાપક સાથે ખાસ બંદોબસ્ત કરી ત્યાં ખાણું આપ્યું. આ નવો અખતરો અન્નાહારીઓમાં પંકાયો, પણ મારી તો ફજેતી જ થઈ. ખાણાંમાત્ર ભોગને અર્થે જ થાય છે. પણ પશ્વિમમાં તો તેને એક કળા તરીકે કેળવેલ છે. ખાણાંને વખતે ખાસ શણગાર, ખાસ દમામ થાય છે. વળી વાજાં વાગે, ભાષણો થાય. આ નાનકડા ખાણામાંયે એ બધો આડંબર હતો જ. મારો ભાષણ કરવાનો સમય આવ્યો. હું ઉભો થયો. ખૂબ વિચારીને બોલવાનું તૈયાર કરી ગયો હતો. થોડાં જ વાક્યો