પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે અથવા જે કહેવા યોગ્ય હોય તે છુપાવે છે કે જુદી રીતે કહે છે. આવાં સંકટોમાંથી બચવાને ખાતર પણ અલ્પભાષી થવું આવશ્યક છે. થોડું બોલનાર વગરવિચારે નહીં બોલે; પોતાના દરેક શબ્દને તોળશે. ઘણી વેળા માણસ બોલવાને અધીરો બને છે. 'મારે પણ બોલવું છે' એવી ચિઠ્ઠી ક્યા પ્રમુખને નહીં મળી હોય? પછી તેને વખત આપવામાં આવ્યો હોય તે તેને સારુ પૂરતો નથી થતો, વધારે બોલવા દેવા માગણી કરે છે, ને છેવટ રજા વિના પણ બોલ્યા કરે છે! આ બધાના બોલવાથી જગતને લાભ થયેલો ભાગ્યે જ જોવામાં આવે છે. તેટલા વખતનો ક્ષય થયેલો તો સ્પષ્ટ જોઇ શકાય છે. એટલે, જોકે આરંભમાં મારું શરમાળપણું મને ડંખતું છતાં આજે તેનું સ્મરણ મને આનંદ આપે છે. એ શરમાળપણું મારી ઢાલ હતી. તેનાથી મને પરિપક્વ થવાનો લાભ મળ્યો. મારી સત્યની પૂજામાં મને તેથી સહાય મળી.

૧૯. અસત્યરૂપી ઝેર

ચાળીસ વર્ષ પૂર્વે વિલાયત જનારા પ્રમાણમાં થોડા હતા. તેમનામાં એવો રિવાજ પડી ગયો હતો કે પોતે પરણેલા હોય તોપણ કુંવારા ગણાવું. તે મુલકમાં નિશાળમાં કે કૉલેજમાં ભણનારા કોઈ પરણેલા ન હોય. વિવાહિતને વિદ્યાર્થીજીવન ન હોય. આપણામાં તો પ્રાચીન કાલમાં વિદ્યાર્થી બ્રહ્મચારીને નામે જ ઓળખાતો. આ જમાનામાં જ બાળવિવાહનો ચાલ પડ્યો છે. વિલાયતમાં બાળવિવાહ જેવી વસ્તુ છે જ નહીં એમ કહી શકાય. તેથી હિંદી જુવાનોને પોતે પરણેલા છે એમ કબૂલ કરતાં શરમ થાય. વિવાહ છુપાવવાનું બીજું એક કારણ એ કે, જો વિવાહ જાહેર થાય તો જે કુટુંબમાં રહેવા મળે તે કુટુંબની જુવાન છોકરીઓ સાથે ફરવા-હરવા અને ગેલ કરવા ન મળે. આ ગેલ ઘણે ભાગે નિર્દોષ હોય છે. માબાપો આવી મિત્રાચારી પસંદ પણ કરે. યુવક અને યુવતીઓ વચ્ચે એવા સહવાસની ત્યાં આવશ્યકતા પણ ગણાય, કેમ કે ત્યાં તો દરેક જુવાનને પોતાની સહધર્મચારિણી શોધી લેવી પડે છે. એટલે જે સંબંધ વિલાયતમાં સ્વાભાવિક ગણાય તે સંબંધ હિંદુસ્તાનના નવયુવક વિલાયત જતાંવેંત બાંધવા મંડી જાય તો પરિણામ ભયંકર આવે જ. કેટલીક વેળા એવાં પરિણામ આવેલાં