પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ જાણ્યા છે. છતાં આ મોહિની માયામાં આપણા જુવાનો ફસાયા હતા. અંગ્રેજોને સારુ ગમે તેવી નિર્દોષ છતાં આપણે સારુ ત્યાજ્ય સોબતને ખાતર તેઓએ અસત્યાચરણ પસંદ કર્યું. આ જાળમાં હું પણ સપડાયો. હું પણ પાંચ છ વર્ષ થયા પરણેલો હોવા છતાં અને એક દીકરાનો બાપ છતાં, મને કુંવારા તરીકે ગણાવતાં ન ડર્યો ! એમ ગણાવ્યાનો સ્વાદ તો મેં થોડો જ ચાખ્યો. મારા શરમાળ સ્વભાવે, મારા મૌને મને ખૂબ બચાવ્યો. હું વાત ન કરી શકું છતાં મારી સાથે વાત કરવાને કઈ છોકરી નવરી હોય ? મારી સાથે ફરવા પણ કોઈ છોકરી ભાગ્યે જ નીકળે.

જેવો શરમાળ તેવો જ ભીરુ હતો. વેંટનરમાં જે ઘરમાં હું રહેતો હતો તેવા ઘરમાં, વિવેકને અર્થે પણ, ઘરની દીકરી હોય તે મારા જેવા મુસાફરને ફરવા લઈ જાય. આ વિવેકને વશ થઈ આ ઘરધણી બાઈની દીકરી મને વેંટનરની આસપાસની સુંદર ટેકરીઓ ઉપર લઈ ગઈ. મારી ચાલ કંઈ ધીમી નહોતી. પણ તેની ચાલ મારા કરતાં પણ તેજ. એટલે મારે તેની પાછળ ઘસડાવું રહ્યું. એ તો આખો રસ્તો વાતોના ફુવારા ઉડાવતી ચાલે, ત્યારે મારે મોઢેથી કોઈ વેળા ’હા’ કે કોઈ વેળા ’ના’નો સૂર નીકળે. બહુ બોલી નાખું તો ’કેવું સુંદર !’ એટલો બોલ નીકળે ! તે તો પવનમાં ઊડતી જાય અને હું ઘરભેળાં ક્યારે થવાય એ વિચાર કરું. છતાં ’હવે પાછાં વળીએ’ એમ કહેવાની હિંમત ન ચાલે. એવામાં એક ટેકરીની ટોચે અમે આવી ઊભાં. પણ ઊતરવું કેમ ? પોતાના ઊંચી એડીના બૂટ છતાં આ વીસપચીસ વર્ષની રમણી વીજળીની જેમ ઉપરથી ઊતરી ગઈ. હું તો હજી શરમિંદો થઈ ઢોળાવ કેમ ઊતરાય એ વિચારી રહ્યો છું. પેલી નીચે ઊભી હસે છે; મને હિંમત આપે છે; ઉપર આવી હાથ ઝાલી ઘસડી જવાનું કહે છે ! હું એવો નમાલો કેમ બનું ! માંડમાંડ પગ ઘસડતો, કાંઈક બેસતો ઊતર્યો. અને પેલીએ મશ્કરીમાં ’શા...બ્બા...શ’ કહી મને શરમાયેલાને વધુ શરમાવ્યો. આવી મશ્કરીથી મને શરમાવવાનો તેને હક હતો.

પણ દરેક જગાએ હું આમ ક્યાંથી બચી શકું ? અસત્યનું ઝેર ઈશ્વર મારામાંથી કાઢવાનો હતો. જેમ વેંટનર તેમ બ્રાઇટન પણ દરિયાકિનારે આવેલું હવા ખાવાનું મથક છે. ત્યાં એક વેળા હું ગયો. જે હોટેલમાં ગયો ત્યાં એક સાધારણ પૈસાપાત્ર વિધવા ડોશી પણ હવા ખાવા આવેલી